યુગવ મતદાનમાં ટોરી પાર્ટી પ્રથમ અને લેબર પાર્ટી છેક ચોથા સ્થાને

Wednesday 10th July 2019 02:03 EDT
 
 

લંડનઃ યુગવના તાજા મતદાને લેબર પાર્ટીને ચિંતામાં મૂકી દીધી છે. કન્ઝર્વેટિવ, બ્રેક્ઝિટ પાર્ટી અને લિબરલ ડેમોક્રેટ્સ પછી લેબર પાર્ટી ચોથા સ્થાને આવી હતી. ટોરી પાર્ટીને મતદાનમાં ૨૪ ટકા, બ્રેક્ઝિટ પાર્ટીને ૨૩ ટકા, લિબ ડેમોક્રેટ્સને ૨૦ ટકા તેમજ લેબર પાર્ટીને ૧૮ ટકા સમર્થન પ્રાપ્ત થયું હતું. એક સપ્તાહના ગાળામાં લેબર પાર્ટીના સમર્થનમાં બે ટકાના ઘટાડા માટે બ્રેક્ઝિટ તેમજ એન્ટિ-સેમેટિઝમ મુદ્દે પાર્ટીના નેતા જેરેમી કોર્બીનના વલણને જવાબદાર માનવામાં આવે છે.

સમર્થનમાં નોંધપાત્ર ઘટાડાથી જેરેમી કોર્બીન પર બ્રેક્ઝિટ મુદ્દે વલણ સ્પષ્ટ કરવાનું દબાણ વધી જશે. બીજા રેફરન્ડમને ટેકો આપવો કે ૨૦૧૬ના રેફરન્ડમનું સન્માન કરવું તેની અવઢવમાં મહિનાઓ વીતી ગયા છે. શેડો હેલ્થ સેક્રેટરી જોન એશવર્થે જણાવ્યું હતું કે પાર્ટીએ કોઈ પણ પ્રકારની સમજૂતી મુદ્દે જનમતની તરફેણ કરી છે. જોકે, જનમત લેવાશે તો લેબર પાર્ટી ઈયુમાં રહેવા માટે કેમ્પેઈન કરશે તેવી સ્પષ્ટતા કરવાની જરૂર છે. બીજી તરફ, ટાઈમ્સ માટેના પોલ અનુસાર માત્ર ૨૫ ટકા રીમેઈન મતદારે લેબર પાર્ટીને ટેકો આપવાનું જણાવ્યું છે. આ ટકાવારી ૨૦૧૯ના આરંભે ૪૮ ટકા અને એપ્રિલના અંતે ૪૦ ટકાની હતી.

નાઈજેલ ફરાજ વધુ પ્રામાણિક હોવાનો મત

IpsosMORI દ્વારા કરાયેલાં મતદાન અનુસાર વડા પ્રધાન બનવાની સ્પર્ધામાં બોરિસ જ્હોન્સન અને જેરેમી હન્ટની સરખામણીએ બ્રેક્ઝિટ પાર્ટીના નેતા નાઈજેલ ફરાજ વધુ પ્રામાણિક છે. ફરાજને ૩૪ ટકાએ વધુ પ્રામાણિક ગણાવ્યા હતા જ્યારે લેબર પાર્ટીના જેરેમી કોર્બીનને ૩૨ ટકા મત મળ્યા હતા. ટોરી નેતાગીરીનો જંગ લડતા હન્ટ અને જ્હોન્સનને અનુક્રમે ૩૧ અને ૨૫ ટકા મત મળ્યા હતા.

જોકે, સારા વડા પ્રધાન કોણ બની શકશે તેવા પ્રશ્ન સંદર્ભે બોરિસ જ્હોન્સન ૩૪ ટકા મત સાથે પ્રથમ રહ્યા હતા. તેમના પછી હન્ટ (૩૧ ટકા), ફરાજ (૨૪ ટકા) અને છેલ્લે કોર્બીનને ૨૨ ટકા મત મળ્યા હતા. ઓછું સમર્થન મળવા છતાં, લેબર પાર્ટીના પાંચમાંથી ત્રણ (૬૦ ટકા) સમર્થકોએ કોર્બીન સારા વડા પ્રધાન બની શકે તેમ જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter