યુગાન્ડાના માધવાણી ગ્રુપની બ્રિટનમાં મિની ન્યુક્લિયર રિએક્ટરો સ્થાપવાની યોજના

પ્રોજેક્ટ કૌસર અંતર્ગત જીઇ-હિટાચીની ટેકનોલોજીનો ઉપયોગ કરીને નાના મોડ્યુલર રિએક્ટર તૈયાર કરાશે

Tuesday 16th July 2024 11:54 EDT
 
 

લંડનઃ યુગાન્ડાના રોકફેલર્સ તરીકે ખ્યાતનામ એવા ગણાતા માધવાણી પરિવારના સભ્ય બ્રિટનમાં જનરલ ઇલેક્ટ્રિક હિટાચી મિની ન્યુક્લિયર રિએક્ટરો સ્થાપવાની યોજના બનાવી રહ્યા છે. સમગ્ર આફ્રિકામાં વિવિધ સેક્ટરમાં વ્યાપક બિઝનેસ માટે માધવાણી પરિવાર જાણીતો છે.

19મી સદીના પ્રારંભમાં યુગાન્ડામાં આવેલો માધવાણી પરિવાર અને તેમનું ગ્રુપ શેરડીની ખેતી, સ્ટીલ ઉત્પાદન, કન્સ્ટ્રક્શન, હોટેલ બિઝનેસ અને વીમાના બિઝનેસમાં અગ્રણી સ્થાન ધરાવે છે. તેઓ પ્રોજેક્ટ કૌસર અંતર્ગત જીઇ-હિટાચીની ટેકનોલોજીનો ઉપયોગ કરીને નાના મોડ્યુલર રિએક્ટર બનાવવાની યોજના તૈયાર કરી રહ્યાં છે. તેઓ આ યોજના અન્ય દેશોમાં પણ વિસ્તારવા માગે છે.

માધવાણી ગ્રુપ સંભવિત સ્થળોની તલાશ કરી રહ્યું છે. આ દાયકાના અંત સુધીમાં તે 300 મેગાવોટ વીજળી ઉત્પાદનની ક્ષમતા ધરાવતું પ્રથમ રિએક્ટર સ્થાપિત કરવા માગે છે. યુકે સરકારના પૂર્વ મુખ્ય ન્યુક્લિયર સલાહકાર એવા એડ્રિયન સિમ્પર હાલ માધવાણી પરિવાર સાથે મળીને કામ કરી રહ્યાં છે. ખુલ્લા બજાર અને સારી રેગ્યુલેટરી સિસ્ટમના કારણે તેમણે યુકે પર પસંદગી ઉતારી છે.

યુકે સરકારની એજન્સી ગ્રેટ બ્રિટિશ ન્યુક્લિયર એસએમઆર ડિઝાઇન સ્પર્ધાનું આયોજન કરી રહી છે. તેમાં પસંદ થનારી ડિઝાઇનોને સરકારી સહાયની સાથે રિએક્ટરના નિર્માણ માટે સાઇટ કોન્ટ્રાક્ટ પણ અપાશે. આ સ્પર્ધામાં જીઇ-હિટાચી પસંદ કરાયેલી કંપનીઓ પૈકીની એક છે. તેના પરિણામ આ વર્ષના અંત સુધીમાં આવી જશે. આ સ્પર્ધામાં અન્ય કંપનીઓમાં ઇડીએફ, હોલટેક બ્રિટન લિમિટેડ, ન્યુસ્કેલ પાવર, રોલ્સ રોયસ એસએમઆર, વેસ્ટિંગહાઉસ ઇલેક્ટ્રિક કંપનીનો સમાવેશ થાય છે.

નવી ચૂંટાઇ આવેલી લેબર સરકાર પણ એસએમઆરને સમર્થન આપી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter