યુગાન્ડાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ ડો. સુધીર રૂપારેલિયા માટે બેવડી ઉજવણીનો પ્રસંગ

ધીરેન કાટવા Wednesday 04th September 2019 02:51 EDT
 
 

ન્યાય માટે લડવું અને તે પણ અન્ય દેશની સરકાર સામે અને તેમાં પણ જટિલમાં જટિલ કાનૂની લડાઈમાં વિજય હાંસલ કરવો તે વિશિષ્ટ સિદ્ધિ કહેવાય. આ વાત હાલ લંડનમાં રહેતા યુગાન્ડાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ ડો. સુધીર રૂપારેલિયાની છે.

બેંક ઓફ યુગાન્ડા (BoU)એ ડો. રૂપારેલિયાની ક્રેન બેંક અંડરકેપિટલાઈઝ્ડ હોવાનું દર્શાવીને તેનો હવાલો સંભાળી લીધા પછી ઓક્ટોબર, ૨૦૧૬માં બન્ને વચ્ચે કાનૂની લડાઈ શરૂ થઈ. BoUએ ક્રેન બેંકને લીધે આર્થિક સિસ્ટમની સ્થિરતા સમક્ષ સાર્વત્રિક જોખમ સર્જાયાનું અને હાલ બેંકની કામગીરી જે રીતે ચાલી રહી છે તે ચાલુ રહેશે તો તેના ડિપોઝીટરોના હિતોને નુક્સાન થશે તેમ જણાવ્યું હતું. તેને લીધે આ કાનૂની જંગનો પ્રારંભ થયો. ડો. રૂપારેલિયા માટે તો BoUએ તેમની બેંક બંધ કરી દીધી એટલું જ નહિ પરંતુ, અંગત હાનિ પણ પહોંચાડીછે. જોકે, ક્રેન બેંકનો કેસ જીતીને તેમણે ઉત્સાહપૂર્વક પૂનરાગમન કર્યું છે. ડો. રૂપારેલિયાએ જણાવ્યું હતું કે જલારામ બાપામાં સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ તેમને માર્ગદર્શન પૂરું પાડે છે અને નિર્ભય થઈને લડત આપવા માટેની આંતરિક શક્તિ પૂરી પાડે છે.

તાજેતરમાં જસ્ટિસ ડેવિડ વાંગુતુસીએ કેસ કરવામાં અપૂરતો કાનૂની આધાર હોવા મુદ્દે ડો. રૂપારેલિયા સામે BoUએ કરેલો કેસ ફગાવી દીધો હતો. સેન્ટ્રલ બેંક દ્વારા ૨૦૧૭માં ક્રેન બેંક બંધ કરવા સાથે મજબૂત કાનૂની કેસ શરૂ કરાયો હતો તેનો સેન્ટ્રલ બેંક માટે તદ્દન ખરાબ અંત આવ્યો હતો.

તાજેતરમાં તેમના પત્ની જ્યોત્સનાબેને તેમની પ્રથમ પૌત્રી ‘એરી’ના આગમનની ઉજવણી માટે લંડનમાં સ્ટેનમોરના નિવાસસ્થાને યોજેલી પાર્ટીમાં મિત્રો અને પરિવારજનો એકત્ર થયા હતા. એરીના માતા-પિતા જય સકારી અને શીના રૂપારેલિયા-સકારી પર ફૂલોના સંખ્યાબંધ બુકે, કાર્ડ્સ અને ગિફ્ટ્સ તેમજ વડીલોના આશીર્વાદનો વરસાદ થયો હતો. એરીનો જન્મ લંડનની સેન્ટ મેરી હોસ્પિટલની લિન્ડો વિંગ મેટરનીટીમાં થયો હતો.

પાર્ટીમાં સુભાષ ઠકરાર, પ્રકાશ રાજા, મીના અને શૈલેશ દેવાણી, ક્રિશ્રા પૂજારા, મનસુખ (મણિ) જીવરાજ, રજની હાથી, નિલેશ દત્તાણી, પરેશ જનસારી સહિત સંખ્યાબંધ મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં. ફેસબુક પોસ્ટમાં શાંતુ રૂપારેલે લખ્યું,‘ મારા ડુગુ (ભાઈ) સુધીર રૂપારેલિયાએ ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું. એરીની ઉજવણી તેમજ ક્રેન બેંકનો કેસ જીત્યાની બમણી ઉજવણીથી હું ખૂબ ખુશ છું. મને તમારા માટે ખૂબ ગર્વ થાય છે, તે પણ તમે સારી રીતે જાણો છો.’

રૂપારેલિયા પરિવાર માટે થોડો સમય લાગણીની દ્રષ્ટિએ થોડો ઉતારચડાવભર્યો રહ્યો છતાં, આવાં સંજોગોમાં પણ તેમણે પ્રગતિ કરી હતી. આ વર્ષે મે મહિનામાં ડો. રૂપારેલિયા અને તેમના પરિવારે શહેરના સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં મેગા-મિક્સ્ડ યુઝ મોલ ‘કમ્પાલા કિંગ્ડમ’ સત્તાવાર રીતે ખૂલ્લો મૂક્યો. તેનું નિર્માણ દસ વર્ષ કરતાં વધુ સમયમાં ૩૦૦ મિલિયન ડોલર કરતાં વધુ ખર્ચે થયું છે.

તાજેતરમાંજ ઈન્ડિયન એસોસિએશન યુગાન્ડા દ્વારા ડો. રૂપારેલિયાના પુત્ર રાજીવને ઉત્કૃષ્ટ દેખાવ બદલ પ્રતિષ્ઠિત ‘અપકમિંગ સ્પોર્ટ્સ પર્સનાલિટી’ ઈન્ડિયન એચિવર્સ એવોર્ડ ૨૦૧૯ એનાયત કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter