યુટ્યૂબર ધ્રૂવ રાઠીએ લંડનમાં ભારતીય ચૂંટણીપંચ વિરુદ્ધ દેખાવો યોજ્યા

વિરોધ પ્રદર્શનમાં પાકિસ્તાની ઝંડાઓ દેખાયાનો વિવાદ

Wednesday 21st October 2026 06:54 EDT
 
 

લંડનઃ ભારતમાં મતદાર યાદીઓના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) વિરુદ્ધ થઈ રહેલા દેખાવો અને ચીફ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની લડત હવે લંડનના આંગણે પહોંચી આંતરરાષ્ટ્રીય સ્વરૂપ ધારણ કરે તેવા પ્રયાસ થઈ રહ્યા છે. યુટ્યુબર ધ્રૂવ રાઠીએ શનિવાર 17 ઓક્ટોબરે પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમા નજીક આયોજિત દેખાવોમાં ભાગ લીધો હતો. દેખાવકારોએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી કરી હતી. આ વિરોધ દેખાવોનું આયોજન સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI-UK) અને અન્ય સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

નવી દિલ્હી પોલીસની કાર્યવાહીના પગલે યુટ્યુબર ધ્રૂવ રાઠી શુક્રવારે ભારતથી લંડન આવી પહોંચ્યો હતો અને તેણે પોતાના ‘X’ એકાઉન્ટ મારફત દેખાવોમાં ભાગ લેવા ભારતીયોને હાકલ કરી હતી. જોકે, તે દેખાવોના સ્થળે નિયત સમયથી બે કલાક મોડો પહોંચ્યો હતો. તેણે દેખાવકારો સાથે રહીને સૂત્રો પોકાર્યા હતા અને સંબોધન પણ કર્યું હતું. દેખાવકારોએ ચૂંટણી પંચના વર્તન સામે પ્રશ્ન ઉઠાવી વોટર લિસ્ટની સમીક્ષા પ્રક્રિયામાં ગેરરીતિઓનો આક્ષેપ પણ લગાવ્યો હતો. અહેવાલો મુજબ સેંકડો ભારતીય વિદ્યાર્થીઓએ દેખાવોમાં ભાગ લીધો હતો. દેખાવકારોએ ડાબેરી સંસ્થાઓ, કોંગ્રેસ, અને ઈન્ડિયન વર્કર્સ એસોસિયેશનના ઝંડાઓ પણ લહેરાવ્યા હતા. તેમણે ‘વોટ ચોર, ગદ્દી છોડ’ નારાઓ લગાવવા સાથે શાસક ભાજપની વિરુદ્ધ સૂત્રો પણ પોકાર્યા હતા. સૂત્રોચ્ચારો ઉપરાંત, એક દેખાવકાર દ્વારા લવાયેલું વાંદરાનું રમકડું સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યું હતું. સોશિયલ મીડિયાની પોસ્ટ્સ પર એવો દાવો કરાયો હતો કે ‘છપ્પન ઈંચ કા છોટા બંદર’ના નારાઓ પણ લગાવાયા હતા. જોકે, આ સ્લોગન અને રમકડાના વાંદરા વિશે સ્વતંત્ર ચોકસાઈ થઈ શકી ન હતી.

આ દેખાવોની વિરુદ્ધ આ જ વિસ્તારમાં મોદી સમર્થકો દ્વારા પણ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ જૂથના સભ્યોએ ત્રિરંગો લહેરાવી ‘વંદે માતરમ’, ‘ભારત માતા કી જય’ અને ‘મોદી મોદી’ જેવા સૂત્રોચ્ચારો કર્યા હતા. વિરોધીદેખાવમાં ભાગ લઈ રહેલા હિર્દેશ ગુપ્તાએ આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય બનાવવાના અને યુકેમાં ભારતીય સમુદાયને વિભાજિત કરવાના પ્રયાસની ભારે ટીકા કરી હતી.

બીજી તરફ, યુટ્યુબર ધ્રુવ રાઠી વિરોધ પ્રદર્શનમાં પાકિસ્તાનના ઝંડા સાથે દેખાતા નવો વિવાદ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે, 16 ઓક્ટોબરે 'સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા યુકે' દ્વારા એસઆઈઆર(સર)ના મુદ્દા પર વિરોધ પ્રદર્શન માટે લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર પ્રદર્શનકારીઓનું એક મોટું જૂથ એકત્ર થયું હતું. આ પ્રોટેસ્ટમાં યુટ્યુબર ધ્રુવ રાઠી પણ સામેલ થયો હતો. દરમિયાન, ઓવરસીઝ બીજેપી (યુકે અને યુરોપ)ના નેતા કુલદીપ શેખાવતે આરોપ લગાવ્યો છે કે વિરોધ પ્રદર્શનમાં ભીડ એકત્ર કરવા પાકિસ્તાન અને બાંગલાદેશના નાગરિકો પણ સામેલ થયા હતા. ભારતમાં ગેરકાયદે રહેતા કેટલાક લોકો પણ આ વિરોધનો હિસ્સો બન્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter