ઈંગ્લિશ ચેનલમાં રશિયન જહાજ જપ્ત

Tuesday 01st March 2022 13:06 EST
 

આમ તો કહેવાય છે કે યુદ્ધની કથાઓ રોમાંચક-રોચક હોય છે પરંતુ, વાસ્તવમાં તેમ હોતું નથી. યુદ્ધ પોતાની સાથે જાનહાનિ સહિત અનેક વિભીષિકા-ડર લાવે છે. યુક્રેન પર રશિયન આક્રમણના પગલે યુકે સાથે સંકળાયેલા નાના સમાચાર આ સાથે રજૂ કર્યા છે.

યુક્રેન યુદ્ધના પગલે ઈયુ દ્વારા રશિયા સામે લાગેલા પ્રતિબંધોના ભાગરુપે ઈંગ્લિશ ચેનલમાંથી પસાર થઈ રહેલા રશિયન કાર્ગો શિપ ‘બાલ્ટિક લીડર’ને ફ્રેન્ચ સત્તાવાળાએ જપ્ત કરી લીધું છે.‘બાલ્ટિક લીડર’ ૪૧૬ ફૂટની લંબાઈ ધરાવે છે અને ૧૦૦ પ્રતિબંધિત રશિયન કંપનીઓમાંથી એકની માલિકીનું છે રશિયાની પ્રથમ સંપત્તિ આ રીતે જપ્ત થઈ છે. આ કાર્ગો વેસલ કાર્સની હેરફેર કરવા સેન્ટ પીટર્સબર્ગ તરફ જઈ રહ્યું હતું. ફ્રાન્સસ્થિત રશિયન એમ્બેસીએ કાર્ગો શિપની જપ્તી બાબતે ખુલાસો માગ્યો હતો.

રશિયા સામે લડવા બ્રિટિશરોને ટ્રસનું સમર્થન

યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ રશિયા વિરુદ્ધના યુદ્ધમાં વિશ્વનો કોઈ પણ નાગરિક સામેલ થઈ શકે તેવી હાકલ કર્યા પછી બ્રિટિશ ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસે યુક્રેનની કહેવાતી ‘ઈન્ટરનેશનલ બ્રિગેડ્સ’માં’ સામેલ થવા ઈચ્છતા બ્રિટિશરોને સમર્થન જાહેર કર્યું છે. ઝેલેન્સ્કીએ કહ્યું છે કે રશિયન આક્રમણ સામે લડવા ઈચ્છતા વિદેશીઓને તેઓ શસ્ત્રો પૂરા પાડશે. ટ્રસે બીબીસીને જણાવ્યું હતું કે ‘પ્રેસિડેન્ટ પુટિન માત્ર યુક્રેનને નહિ, સમગ્ર યુરોપને પડકારી રહ્યા છે આથી જો લોકો યુક્રેનના સંઘર્ષમાં સાથ આપવા ઈચ્છતા હોય તો હું તેમનું સમર્થન કરીશ.’ રશિયા સામે લડવા જવા ઈચ્છતા બ્રિટિશરો આતંકવાદના કાયદાનો ભંગ કરશે પરંતુ, તેમની સામે પ્રોસીક્યુશનની શક્યતા ઓછી છે.

યુક્રેની રેફ્યુજીસ માટે સલામત પેસેજ

હજારો લોકોએ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલને ખુલ્લો પત્ર લખી યુકે દ્વારા યુક્રેનના શરણાર્થીઓને કેવી રીતે સલામત અને કાનૂની પ્રવાસ કરાવાશે તેની ઓફર સાથે રુપરેખા જાહેર કરવા જણાવ્યું છે. 38 Degrees વેબસાઈટ પરના પત્રમાં સોમવાર સુધીમાં 104,369થી વધુ સહીઓ સાથે ભારે પ્રતિસાદ સાંપડ્યો છે. યુએન એજન્સીઓના અંદાજ મુજબ આગામી સપ્તાહોમાં 1થી 3 મિલિયન યુક્રેનવાસીઓ દેશ છોડવા પ્રયાસ કરશે. યુરોપમાં બીજા વિશ્વ યુદ્ધ પછી સૌથી મોટું ભૂમિ આક્રમણ થયું છે. YouGov મુજબ 63 ટકા બ્રિટિશ નિવાસીઓ રશિયન આક્રમણથી નાસી છૂટતા યુક્રેનીઓ માટે પુનઃવસવાટની કોઈ યોજનાની તરફેણ કરી રહ્યા છે.

યુક્રેન નિવેદન મુદ્દે લેબર સાંસદને મોતની ધમકી

લેબર પાર્ટીના સાંસદ ઝારાહ સુલતાનાને યુક્રેન મુદ્દે ‘Stop the War’નિવેદન બદલ મોતની ધમકી અપાઈ છે. આ નિવેદનમાંથી પોતાનું નામ હટાવી લેવા લેબર પાર્ટીની નેતાગીરીએ ૧૧ સાંસદોને જણાવ્યું છે. ઝારાહ સુલતાનાએ આક્ષેપ લગાવ્યો છે કે યુક્રેન યુદ્ધ અંગે તેમના અભિપ્રાયનું મીડિયા દ્વારા ખોટું અર્થઘટન કરાયું છે. ઝારાહને ‘પુટિનની વેશ્યા’ ગણાવતો જાતિવાદી ઈમેઈલ મળવાના પગલે તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. જેરેમી કોર્બીન, ડાયેના એબોટ અને જ્હોન મેકડોનેલ સહિતના સાંસદો દ્વારા આ કથિત નિવેદનમાં બ્રિટિશ સરકારના આક્રમક વલણ તેમજ નાટોએ પૂર્વતરફી વિસ્તરણને અટકાવવું જોઈએ તેમ જણાવાયું હતું.

થિયેટરોમાં રશિયન બેલે પરફોર્મન્સીસ રદ

વર્તમાન યુક્રેન- રશિયા વચ્ચે યુદ્ધ સંજોગોને ધ્યાનમાં લઈ વુલ્વરહેમ્પ્ટન ગ્રાન્ડ થીએટર, નોર્ધમ્પ્ટનના રોયલ એન્ડ ડેર્નગેટ થીએટર અને ન્યુ થીએટર પીટરબરા દ્વારા આગામી દિવસોમાં રશિયન સ્ટેટ બેલે કંપનીના પરફોર્મન્સીસ રદ કરાયા હતા. અગાઉ, રોયલ ઓપેરા હાઉસે મોસ્કોસ્થિત બોલ્શોઈ બેલે કંપનીના ઉનાળુ પ્રવાસને રદ કરવાની જાહેરાત કરી હતી. વુલ્વરહેમ્પ્ટન ગ્રાન્ડ થીએટરે જણાવ્યું હતું કે 28 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધીના કાર્યક્રમોની ટિકિટ ખરીદનારાને સંપૂર્ણ રિફંડ અપાશે. રોયલ એન્ડ ડેર્નગેટ થીએટરે 26 ફ્બ્રુઆરી તેમજ ન્યુ થીએટર પીટરબરાએ 22 અને 23 માર્ચે રશિયન સ્ટેટ બેલે ઓફ સાઈબિરિયા કંપનીનો કાર્યક્રમ યોજ્યો હતો.

લંડનની રશિયન એમ્બેસી સામે દેખાવો

રશિયા દ્વારા યુક્રેન પર હુમલો કરાયાથી લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. લંડનમાં કેન્સિંગ્ટનમાં રશિયન એમ્બેસી અને ડાઉનિંગ સ્ટ્રીટની બહાર સેંકડો લોકોએ આક્રમણ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. શનિવાર 26 ફેબ્રુઆરીએ યુક્રેનના ધ્વજ અને બેનર્સની સાથે સેંકડો લોકો રશિયન એમ્બેસીની બહાર એકત્ર થયા હતા. યુક્રેનમાંથી સૈન્ય પાછું ખેંચી લેવાની હાકલ સાથે પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુટિન માટે ‘જંગલી’ અને ‘પશુ’ જેવાં વિશેષણોનો ઉલ્લેખ કરાયો હતો. યુકેમાં માન્ચેસ્ટર, એડિનબરા અને આયર્લેન્ડના ડબ્લિન સહિતના શહેરોમાં પણ રશિયાવિરોધી દેખાવો યોજાયા હતા.

રશિયા ટુડેમાંથી યુકે જર્નાલિસ્ટ્સના રાજીનામાં

રશિયા ટુડે (RT)ટેલિવિઝન ચેનલમાંથી યુકેસ્થિત અનેક પત્રકારોએ યુક્રેન પર રશિયન આક્રમણના વિરોધમાં રાજીનામાં આપી દીધાં છે.મોસ્કો અને RTના લંડન બ્યુરોમાંથી પાંચ કર્મચારીએ નોકરી છોડવાની નોટિસ આપી દીદી છે. ટીવી કોરસપોન્ડન્ટ શાદીઆ એડવર્ડ્સ-ડાષ્ટીએ પણ RTને છોડી દીધું છે. મિસ એડવર્ડ્સ-ડાષ્ટીને ગુરુવારે રશિયન આક્રમણના સમાચાર આવરી લેવા જણાવાયું હતું પરંતુ, તેમણે ઈનકાર કરી તત્કાળ રાજીનામું આપ્યું હતું. હવે RT ઈંગ્લિશ બોલનારા સંવાદદાતાઓની શોધ ચલાવી રહ્યું છે. યુકેમાં RT પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય પર છોડી દેવાયો છે.

રોમન આબ્રામોવિચે ચેલ્સીનો હોદ્દો છોડ્યો

ચેલ્સી ફૂટબોલ ક્લબના માલિક અને રશિયન ધનાઢ્ય રોમન આબ્રામોવિચે ચેલ્સીનો વહીવટી હોદ્દો છોડ્યો છે. તેમણે પોતાની કામગીરી ચેલ્સી ક્લબના ચેરિટેબલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓને સુપરત કરી છે. રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણની શરૂઆતમાં આબ્રામોવિચે કોઈ ટીકા કરી ન હોવાથી રોષ સર્જાયો હતો. રશિયન પ્રમુખ પુટિનની નિકટ ગણાતા આબ્રામોવિચ યુક્રેન અને રશિયા વચ્ચે મંત્રણામાં ભાગ લેવા બેલારુસ પહોંચ્યા છે.

BPએ રશિયન Rosneft માં હિસ્સો છોડી દીધો

BPએ રશિયન ઓઈલ જાયન્ટRosneft માં 19.75 ટકાનો હિસ્સો પડતો મૂકવાની જાહેરાત કરી છે. યુક્રેન પર રશિયન આક્રમણના વિરોધમાં BPના ચીફ એક્ઝિક્યુટિવ બર્નાર્ડ લૂનીએ તત્કાળ અસરથી રશિયન સરકારની અંશતઃ માલિકીની Rosneftના બોર્ડમાંથી રાજીનામું આપ્યું હતું. યુકે લિસ્ટેડ કંપનીએ બ્રિટિશ સરકારના દબાણ હેઠળ રશિયન કંપનીમાંથી પોતાનો હિસ્સો છોડી દેતા તેને 25 બિલિયન ડોલર સુધીની ખોટ જઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter