યુકે સહિત 38 દેશની ICCને રજૂઆત

Wednesday 16th March 2022 06:43 EDT
 

રશિયન પ્રમુખ પુટિનના આદેશ હેઠળ હજારો નિર્દોષ નાગરિકોની હત્યાના ‘યુદ્ધ અપરાધો’ સંદર્ભે યુકે, ઈયુ અને ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂ ઝીલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ તેમજ કેટલાક લેટિન અમેરિકન દેશો સહિત 37 દેશોએ ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) સમક્ષ બુધવાર 2 માર્ચે રજૂઆત કરી છે. બ્રિટિશ સત્તાવાળાએ જણાવ્યું હતું કે ICCના ઈતિહાસમાં આ સૌથી મોટી રેફરલ છે. ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ચિંતાજનક અતિ ગંભીર અપરાધોની તપાસ કરે છે અને આવશ્યક જણાય તો આરોપ લગાવાયેલી વ્યક્તિઓ સામે ટ્રાયલ પણ ચલાવે છે. આવા અપરાધોમાં નરસંહાર, યુદ્ધ અપરાધો અને માનવતાવિરોધી અપરાધોનો સમાવેશ થાય છે. યુક્રેને આક્રમણખોર રશિયન દળોના હાથે અત્યાર સુધી 2000થી વધુ નિર્દોષ નાગરિકોની હત્યા કરાઈ હોવાનો આરોપ લગાવ્યો છે. પુટિનના આદેશથી કરાયેલા આક્રમણમાં હજારો સૈનિકો પણ માર્યા ગયા છે. દરમિયાન, જીવ બચાવવા યુક્રેનથી નાસી છૂટેલા શરણાર્થીઓની સંખ્યા લગભગ 1 મિલિયન થઈ હોવાનું કહેવાય છે.

એડિનબરા યુનિ.નું રશિયન બેન્કમાં રોકાણ

સ્કોટલેન્ડની યુનિવર્સિટી ઓફ એડિનબરા રશિયાની સૌથી મોટી બેન્ક સ્બેરબેન્ક-Sberbankમાં 1,109251 પાઉન્ડનો સ્ટોક ધરાવતી હોવાનું બહાર આવ્યું છે. યુનિવર્સિટીએ જાન્યુઆરી 2016માં આ રોકાણ કર્યું હતું અને હવે આ રોકાણ પાછું ખેંચી લેવા દબાણ થઈ રહ્યું છે. યુકેએ પ્રતિબંધ લાદ્યો હોવાથી સ્બેરબેન્ક સ્ટર્લિંગ પેમેન્ટ્સનું ક્લિયરિંગ કરી શકતી નથી. હોલિરુડની પેન્શન સ્કીમ પણ આ બેન્કમાં 300,000 પાઉન્ડનું હોલ્ડિંગ ધરાવતી હોવાનું કહેવાય છે. યુનિવર્સિટી ઓફ એડિનબરામાં 98 રશિયન અને 5,000થી વધુ ચાઈનીઝ વિદ્યાર્થી અભ્યાસ કરે છે.

રશિયન વોડકાનું વેચાણ બંધ

માર્ક્સ એન્ડ સ્પેન્સર, કો-ઓપ સહિતના રીટેઈલર્સે પોતાની અભરાઈઓ પરથી રશિયન બનાવટના સ્ટાન્ડર્ડ વોડકા તત્કાળ અસરથી દૂર કરી દીધા છે તેમજ રશિયાથી આવતા તેમજ મોકલાતાં શિપમેન્ટ્સ પણ અટકાવી દીધાં છે. યુક્રેન પર રશિયન આક્રમણના પગલે યુકેના મોટા ભાગના બાર તેમજ હોસ્પિટાલિટી ફર્મ્સ દ્વારા રશિયન વોડકાનું વેચાણ બંધ કરી દેવાયું છે. રશિયન વોડકાના વિકલ્પે પોલેન્ડની ડિસ્ટલરિઝમાં ઉત્પાદિત વોડકાનું વેચાણ કરાશે તેમ કો-ઓપ દ્વારા જણાવાયું છે. રશિયામાં માર્ક્સ એન્ડ સ્પેન્સરના ટર્કિશ પાર્ટનરશિપ સાથે ૪૦થી વધુ ફ્રેન્ચાઈઝ સ્ટોર્સ છે જેમાંથી મોટા ભાગના રાજધાની મોસ્કોમાં છે.

Airbnb દ્વારા મફત હાઉસિંગ સુવિધા

યુક્રેન કટોકટી દરમિયાન સપોર્ટ અને ડોનેશન આપનારી સંખ્યાબંધ કંપનીઓની યાદીમાં હોમ રેન્ટલ પ્લેટફોર્મ Airbnbનો પણ સમાવેશ થયો છે. Airbnbએ100,000 યુક્રેની શરણાર્થીઓને મફત કામચલાઉ હાઉસિંગ સુવિધા પૂરી પાડવાની જાહેરાત કરી છે. તેનું નોનપ્રોફિટ સેટઅપ Airbnb.org વિશ્વભરની રિસેટલમેન્ટ એજન્સીઓની સાથે મળી યુક્રેની શરણાર્થીઓને હાઉસિંગ સુવિધા પૂરી પાડશે.

યુક્રેન કટોકટીના સૌથી ખરાબ અસર પામેલા લોકોની મદદ કરી રહેલી ચેરિટીઝને અનેક કંપનીઓ દ્વારા મિલિયન્સ પાઉન્ડ/ડોલર્સના ડોનેશન્સ અપાઈ રહ્યા છે. જ્વેલર્સ પેન્ડોરાએ યુએનની બાળલક્ષી એજન્સી યુનિસેફને 746000 પાઉન્ડ, શુ ચેઈન કર્ટ ગેઈગરે બ્રિટિશ રેડ ક્રોસને 50000 પાઉન્ડ, વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ બિયાન્સે માનવતાવાદી કાર્યો માટે 7,460,000 પાઉન્ડ તેમજ અનામી બિટકોઈન દાતાઓએ 13.7 મિલિયન ડોલરનું દાન જાહેર કર્યું છે. અનેક કંપનીઓ યુક્રેનના યુદ્ધપ્રયાસોમાં મદદ કરી રહી છે.

જનરલ્સને પુટિન વિરુદ્ધ બળવાનો અનુરોધ

ફોરેન ઓફિસ મિનિસ્ટર જેમ્સ ક્લેવર્લીએ મોસ્કોના રશિયન જનરલોને પ્રમુખ પુટિન વિરુદ્ધ બળવો કરવાની અપીલ કરી છે. ક્લેવર્લીએ કહ્યું હતું કે પુટિન રશિયન સામ્રાજ્યની નવસ્થાપનાની કલ્પનામાં રાચી રહ્યા છે. પુટિનના રશિયાની વિસ્તારવાદી નીતિને અટકાવવી જરૂરી છે. યુક્રેન રશિયાનો હિસ્સો નથી. તે રશિયન સામ્રાજ્યમાં આવી શકે નહિ. યુક્રેન પર હુમલો કરવાનો પુટિનનો આ ખોટો નિર્ણય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter