આમ તો કહેવાય છે કે યુદ્ધની કથાઓ રોમાંચક-રોચક હોય છે પરંતુ, વાસ્તવમાં તેમ હોતું નથી. યુદ્ધ પોતાની સાથે જાનહાનિ સહિત અનેક વિભીષિકા-ડર લાવે છે. યુક્રેન પર રશિયન આક્રમણના પગલે યુકે સાથે સંકળાયેલા નાના સમાચાર આ સાથે રજૂ કર્યા છે.
કોમન્સ કાયદા ઘડવા માટેનું સ્થળ છે, લાગણીના પ્રદર્શનનું નહિ. જોકે, બુધવાર 2 માર્ચે હાઉસ ઓફ કોમન્સમાં ઉપસ્થિત રહેલા યુદ્ધગ્રસ્ત યુક્રેનના એમ્બેસેડર વાદિમ પ્રીસ્ટાઈકોને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લેવાયા હતા. કોમન્સમાં આવી ઘટના જવલ્લે જોવા મળે છે.
સ્પીકર સર લિન્ડસે હોયલે સ્ટ્રેન્જર્સ ગેલેરીમાં યુક્રેનના એમ્બેસેડર વાદિમ પ્રીસ્ટાઈકો હાજર હોવાની જાહેરાત કરવાની સાથે જ સમગ્ર ગૃહના સાંસદોએ ઉભા થઈ તાળીઓના અભૂતપૂર્વ ગડગડાટ સાથે તેમને વધાવી લીધા હતા. સ્પીકર સર લિન્ડ્સેએ કહ્યું હતું કે ‘યોર એક્સેલન્સી, અમે સામાન્યપણે આ ગૃહમાં તાળીઓના ગડગડાટને પરવાનગી આપતા નથી પરંતુ, આ સમયે અમે સૌથી મુશ્કેલ સમયમાં તમારા દેશ પ્રતિ સહાનુભૂતિ અને સપોર્ટ દર્શાવવા ઈચ્છીએ છીએ.
રાજદૂત વાદિમ પ્રીસ્ટાઈકો પણ અચાનક સ્પોટલાઈટમાં આવી જવાથી લાગણીથી તરબત્તર થઈ ગયા હતા અને તેમણે ગંભીરપણે આભાર પ્રદર્શિત કરવા જમણો હાથ ઊંચો કરી અદબપૂર્વક નમન કર્યું હતું. નોંધપાત્ર બાબત એ રહી હતી કે પૂર્વ વડા પ્રધાન થેરેસા મે સહિત ઘણા મહિલા સાંસદો યુક્રેનના રાષ્ટ્રધ્વને મળતા આવતા પીળા અને ભૂરા રંગના વસ્ત્રોમાં હાજર હતા તો કેટલાકે આ રંગની રિબન્સ ધારણ કરી હતી.
બીબીસી દ્વારા રશિયામાં કામગીરી સસ્પેન્ડ
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે બીબીસીએ રશિયામાં જર્નાલિસ્ટ્સની કામગીરી હાલ પૂરતી સસ્પેન્ડ કરી છે. યુક્રેનમાં યુદ્ધ વિશે ‘બનાવટી’ અથવા ‘ખોટા’ સમાચાર ફેલાવવાને ક્રિમિનલ અપરાધ બનાવી ૧૫ વર્ષની જેલ કરતો કાય.દો રશિયાની પાર્લામેન્ટમાં પસાર કરાયા પછી આ પગલું લેવાયું છે. બીબીસીના ડાયરેક્ટર-જનરલ ટિમ ડેવીએ કહ્યું હતું કે આ કાયદો તે દેશમાં ‘સ્વતંત્ર જર્નાલિઝમની પ્રક્રિયાને ગુનાખોરી’ દર્શાવતો જણાય છે. તમામ બીબીસી ન્યૂઝ જર્નાલિસ્ટ્સ અને તેમના સપોર્ટ સ્ટાફની કામગીરી રશિયન ફેડરેશનમાં કામચલાઉપણે સસ્પેન્ડ કરવા સિવાય કોઈ વિકલ્પ જણાતો નથી. બીબીસી ન્યૂઝ સર્વિસની રશિયન ભાષામાં કામગીરી રશિયાની બહારથી ચાલુ રખાશે.
યુક્રેનીઓની પીડાથી કેમિલાની આંખમાં આંસુ
ડચેસ ઓફ કોર્નવોલ કેમિલા અને પ્રિન્સ ચાર્લ્સે બુધવાર 2માર્ચે લંડનસ્થિત યુક્રેનિયન કેથોલિક ચર્ચની મુલાકાત લીધી હતી. યુકેમાં વસતા ૭૦,૦૦૦ જેટલા યુક્રેની સમુદાયના પ્રતિનિધિઓ સાથે દેશના માનવીય કટોકટી વિશે વાતચીત કરતાં કેમિલાની આંખમાં આંસુ છલકાયા હતા. ડચેસ ઓફ કોર્નવોલે ડેઈલી મેઈલની રેફ્યુજી અપીલ સંદર્ભે નોંધપાત્ર રકમનું અંગત દાન પણ આપ્યું હતું. ડચેસ ઓફ કોર્નવોલ કેમિલાની સાથે તેમના પતિ પ્રિન્સ ચાર્લ્સ પણ આ મુલાકાતમાં જોડાયા હતા. પ્રિન્સ ચાર્લ્સે વાસ્તવમાં ભયાનક આક્રમણની સામે યુક્રેની પ્રજાની અસાધારણ બહાદૂરી અને મનોબળને બિરદાવ્યા હતા. પ્રિન્સે તેઓ જેના પેટ્રન છે તેવી બ્રિટિશ રેડ ક્રોસ અને વર્લ્ડ જ્યુઈશ રીલિફ ચેરિટીઝને અંગત દાન આપ્યું હતું
સરેના ગેરેજમાં રશિયન ટાઈકૂનનો મૃતદેહ
રશિયન ટાઈકૂન મિખાઈલ વોટફોર્ડનો મૃતદેહ બ્રિટનની સરેસ્થિત વર્જિનિયા વોટર ખાતેની વૈભવી વેન્ટવર્શ એસ્ટેટના ગેરેજમાં ફાંસી ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. સૌપ્રથમ એસ્ટેટના માળીને ૧૮ મિલિયન પાઉન્ડના મેન્શનમાં ૬૬ વર્ષીય મિખાઈલનો મૃતદેહ જોવા મળ્યો હતો, જેમના અપમૃત્યુ બાબતે અવનવી અટકળો કરાય છે. મૂળ ટોલ્ટોશિયા નામ ધરાવતા મિખાઈલ વોટફોર્ડે યુક્રેનમાં રીફાઈનરીઝની માલિકી થકી અઢળક સંપત્તિ એકત્ર કરી હતી અને બ્રિટન આવ્યા પછી તેમણે પ્રોપર્ટી ફર્મ સ્થાપી હતી. પારિવારિક મિત્રના જણાવ્યા મુજબ યુક્રેન પર આક્રમણ અને તેમનો મોતનો સમય આકસ્મિક જણાતો નથી. યુકેમાં રશિયન નાગરિકો અને સહયોગીઓના મોત શંકાસ્પદ હાલતમાં અને હિટ લિસ્ટમાં હોવાની શંકામાં થયા છે
રશિયન ટેન્કરોમાંથી ઓઈલ-ગેસ ઉતારવા ઈનકાર
યુકેના ડોકર્સે રશિયન ઓઈલ અને ગેસ લઈ આવેલા ટેન્કર્સ ખાલી કરવાનો ઈનકાર કરી દીધો છે. યુકેમાં રશિયન જહાજો પર સરકારી પ્રતિબંધમાં છીંડાના કારણે ઓઈલ અને ગેસના શિપમેન્ટ્સ બ્રિટિશ પોર્ટ્સ પર આવી રહ્યા છે. ઓછામાં ઓછું એક જહાજ સેન્ટ્રિકા કંપની માટે ગેસ લઈ આવ્યું છે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે જણાવ્યું છે કે રશિયા સાથે કનેક્શન ધરાવતા કોઈ પણ જહાજને યુકે પોર્ટ્સ પર લાંગરવા નહિ દેવાય. જોકે, આ પ્રતિબંધ કાર્ગોના મૂળને આવરી લેતો નથી જેમાં સરકારી રશિયન કંપનીના ગેસ અને ઓઈલનો પણ સમાવેશ થઈ શકે છે. જોકે, ટ્રેડ યુનિયન યુનિસેનના આશરે ૧૮૦ સભ્યોએ રશિયાથી આવી રહેલા લિક્વિફાઈડ નેશરલ ગેસના જથ્થાને હાથ પણ લગાવવા ઈચ્છતા નથી.
OneWeb ફર્મના શેર વેચવા યુકેનો ઈનકાર
સેટેલાઈટ લોન્ચિંગ માટે ઈન્ટરનેટ ફર્મ વનવેબ-OneWeb માં તેનો 17.5 ટકા શેરહિસ્સો વેચી નાખવાની રશિયાની માગણી યુકેએ ફગાવી દીધી છે. વનવેબ દ્વારા રશિયાની સ્પેસ એજન્સી રોસ્કોસ્મોસ દ્વારા કઝાખસ્તાનના બૈકાનુર લોન્ચ કોમ્પ્લેક્સથી 36 વનવેબ સેટેલાઈટ્સને લઈ જનારા સોયુઝ રોકેટના લોન્ચિંગ સસ્પેન્ડ કરી દેવાયા છે. અગાઉ સ્પેસકરાફ્ટનો ઉપયોગ મિલિટરી હેતુ માટે નહિ કરાય તેની ખાતરી રોસ્કોસ્મોસે માગી હતી. યુકે વનવેબમાં તેના શેર્સનું વેચાણ નહિ કરે ત્યાં સુધી રોકેટ લોન્ચ નહિ થાય તેમ જણાવાતા બિઝનેસ સેક્રેટરી ક્વાસી ક્વારટેન્ગે સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. ઈન્ટરનેટ ફર્મ વનવેબને 2020માં નાદારીથી બચાવવા યુકેના કરદાતાઓ દ્વારા 400 મિલિયન પાઉન્ડનું ફંડિંગ કરાયું હતું. વનવેબના શેરહોલ્ડર્સમાં યુકે સરકાર, ભારતની ભારતી ગ્લોબલ, જાપાનની સોફ્ટબેન્ક અને ફ્રાન્સના યુટેલસાટનો સમાવેશ થાય છે. રશિયન ન્યૂઝ એજન્સી તાસ અનુસાર રોસ્કોસ્મોસના વડા દમિત્રી રોગોઝિને જણાવ્યું હતું કે વનવેબ કોન્ટ્રાક્ટની સંપૂર્ણ ચૂકવણી થયેલી છે અને કોઈ ફંડ પરત નહિ કરાય.
બિલિયોનેર ઉસ્માનોવની વૈભવી નૌકા જપ્ત
ઈયુ દ્વારા પ્રતિબંધિત રશિયન બિલિયોનેર એલિશેર ઉસ્મોનોવની 512 ફૂટ લંબાઈની 600 મિલિયન પાઉન્ડની કિંમતની મહાકાય વૈભવી નૌકા દિલબરને જર્મન સત્તાવાળાઓએ 28 ફેબ્રુઆરીએ હેમ્બર્ગ ખાતે જપ્ત કરી છે. યુક્રેન પર આક્રમણના પગલે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિન સાથે ગાઢ સંબંધ ધરાવતા ઉસ્માનોવ ટેલિકોમ, માઈનિંગ અને મીડિયા કંપનીઓમાં હોલ્ડિંગ્સ ઉપરાંત લોખંડ અને સ્ટીલ જાયન્ટ મેટાલોઈન્વેસ્ટ અને કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ ફર્મ શાયોમીમાં હિસ્સો ધરાવે છે. બ્રિટિશ સાંસદ ક્રિસ બ્રીયાન્ટે યુકેમાં પણ ઉસ્માનોવ સામે સખ્ત પગલાં લેવાની માગણી કરી છે. વિશ્વમાં સૌથી મોટી વૈભવી યોટ્સમાં એક ગણાતી ‘દિલબર’ ના નિર્માણમાં જર્મન શિપબિલ્ડર લૂર્સ્સેનને 52 મહિના લાગ્યા હતા. આ યોટમાં ૫૮ કેબિન્સ છે અને ૧૦૦ પેસેન્જર અને ક્રુનો સમાવેશ થઈ શકે છે અને ગત ઓક્ટોબર મહિનાથી હેમ્બર્ગના શિપયાર્ડમાં સમારકામ માટે આવેલી છે.


