રશિયન એરક્રાફ્ટ્સ માટે યુકે એરસ્પેસમાં પ્રવેશનો પ્રતિબંધ

Wednesday 16th March 2022 06:36 EDT
 

લંડનઃ તમામ રશિયન વિમાનો માટે યુકેના એરસ્પેસમાં પ્રવેશનો પ્રતિબંધ લાદી દેવાયો છે. આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનારા એરક્રાફ્ટને જપ્ત કરાશે તેમજ પેસેન્જર્સ અને ક્રુની ધરપકડ કરાશે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે રશિયા વિરુદ્ધ આ નવા પ્રતિબંધની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ‘હજારો નિર્દોષ લોકો મરી રહ્યા છે ત્યારે સામાન્યપણે જીવન જીવી રહેલા પુટિનના સાથીઓનું જીવન દોહ્યલું બનાવી દઈશું. આપણે તેમને ગુંગળાવી દઈશું. રશિયન એરક્રાફ્ટ યુકેની હવાઈસીમામાં પ્રવેશે તેને સરકાર ઉચિત ગણતી નથી.’

આમ તો, રશિયન વિમાનોને યુકેના એરસ્પેસમાં પ્રવેશતા અટકાવતા નિયમો ૨૫ ફેબ્રુઆરીથી અમલમાં છે પરંતુ, નવા નિયમો સરકારે પસાર કરેલા અન્ય પ્રતિબંધો સાથે સાંકળી લે છે અને તેના ઉલ્લંઘનને ક્રિમિનલ ઓફેન્સ બનાવે છે. આથી, પ્રતિબંધો મુજબ રશિયામાં રજિસ્ટર કરાયેલા, રશિયન અથવા રશિયા સાથે સંકળાયેલી વ્યક્તિની માલિકીના અથવા પ્રતિબંધોમાં ઉલ્લેખિત વ્યક્તિ સાથે સંકળાયેલી વ્યક્તિઓના વિમાનો માટે આ પ્રતિબંધ કાર્યરત રહેશે.

યુક્રેનના 100,000 બાળ શરણાર્થીને બ્રિટિશ શાળાઓમાં આવકાર

બ્રિટિશ શાળાઓ યુક્રેનના 100,000 બાળ શરણાર્થીને આવકારવાની તૈયારી કરી રહી હોવાનું એજ્યુકેશન સેક્રેટરી નધીમ ઝાહાવીએ જણાવ્યું છે. આ બાળકો માટે રશિયન અને યુક્રેનિયન ભાષામાં ઓનલાઈન લેસન્સ આપવામાં આવશે. આ વિદ્યાર્થીઓને ટ્રાન્સલેટેડ સબટાઈટલ્સ અને વર્કશીટ્સ સાથે ક્વીઝ, વીડિયો લેસન્સની સુવિધા મળી શકશે. રશિયન અથવા યુક્રેનિયન ભાષા બોલતા બાળકો માટે ઓનલાઈન લર્નિંગ કેન્દ્ર ઓક નેશનલ એકેડેમી દ્વારા ઓટો-ટ્રાન્સલેટ સોફ્ટવેર મૂકાઈ રહ્યું છે. એસોસિયેશન ઓફ સ્કૂલ એન્ડ કોલેજ લીડર્સની કોન્ફરન્સને સંબોધતા ઝાહાવીએ જણાવ્યું હતું કે, હજારો યુક્રેનિયન બાળકોને આપણી એજ્યુકેશન સિસ્ટમમાં સમાવી લેવાશે. શિક્ષણ વિભાગની ટીમ આપણી શાળાઓમાં સ્થાન આપવાનું છે તેવા 100,000 બાળકોની ક્ષમતા માટે યોજના ઘડી રહી છે. ઉલ્લેખનીય છે કે ઝાહાવી ખુદ બાલ્યાવસ્થામાં ઈરાકથી બ્રિટન નાસી આવ્યા હતા.

યુક્રેનને ઈયુનું સભ્યપદ મળતા વાર લાગશે

યુરોપિયન યુનિયનનું સભ્યપદ ઝડપથી મેળવવાની યુક્રેનની આશા પર પાણી ફરી વળ્યું છે. રશિયાના આક્રમણથી યુક્રેનને ભારે યાતના સહન કરવી પડી છે તેના પ્રત્યે હમદર્દી દર્શાવવા સાથે યુરોપીય નેતાઓએ વર્સેલીની બેઠકના અંતે સ્પષ્ટ કર્યું છે કે બ્લોકનું સભ્યપદ ઝડપથી નહિ અપાય. બીજા વિશ્વ યુદ્ધ પછી સૌથી મોટા રશિયન આક્રમણથી યુરોપીય સંગઠનને તેની આર્થિક, સંરક્ષણ અને એનર્જી પોલીસીઓ વિશે ફેરવિચાર કરવાની ફરજ પડી છે. ઈયુએ રશિયા પર ઝડપી પ્રતિબંધો લાદ્યા તેમજ યુક્રેનને રાજકીય અને માનવીય સહાય પણ પૂરી પાડી છે. આમ છતાં, યુક્રેનની સભ્યપદની માગણી વિશે ઉતાવળ કરવા તેમના નેતાઓમાં સહમતિ સધાતી નથી. ક્રોએશિયાએ કહ્યું છે કે કોઈને યુરોપિયન યુનિયનમાં રાતોરાત પ્રવેશ અપાયો નથી. ડચ વડા પ્રધાને પણ ફાસ્ટ ટ્રેક પ્રોસેસ નહિ હોવાનું જણાવ્યું છે. ફ્રાન્સના પ્રમુખ મેક્રોંએ કહ્યું હતું કે યુદ્ધરત દેશ માટે મેમ્બરશિપ પ્રક્રિયા ખોલી શકાય નહિ કે સભ્યપદનો ઈનકાર પણ કરી શકાય નહિ. આપણે સાવધાની રાખવી જોઈએ.

ઓનલાઈન યુક્રેનિયન રેફ્યુજી વિઝા પ્રોસેસ

યુક્રેનિયન પાસપોર્ટધારકોને મંગળવારથી યુકેના વિઝા મેળવવા માટે નવી ઓનલાઈન સિસ્ટમની સુવિધા પ્રાપ્ત થશે તેવી જાહેરાત હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે કરી છે. યુક્રેનિયન પાસપોર્ટ ધરાવતા રેફ્યુજીસ વિઝા માટે ઓનલાઈન અરજી કરી શકશે અને તેમણે અન્ય યુરોપિયન દેશોમાં પ્રોસેસિંગ સેન્ટર્સની રુબરુ મુલાકાત લેવાની રહેશે નહિ. તેઓ યુકેમાં પ્રવેશ પછી બાયોમેટ્રિક વિગતો પૂરી પાડી શકશે. હોમ સેક્રેટરી પટેલે સાંસદોને માહિતી આપી હતી કે સિક્યુરિટી સર્વિસીસની નવી સલાહ અનુસાર તેમણે ઈમિગ્રેશન યોજનામાં સુધારો કર્યો છે. હોમ ઓફિસે અગાઉ જણાવ્યું હતું કે સિક્યુરિટી જોખમોના કારણે અન્ય યુરોપીય દેશોમાં યુકેના વિઝા સેન્ટર્સ ખાતે બાયોમેટ્રિક વિગતો આપ્યા વિના શરણાર્થીઓ યુકેમાં આવી શકે તે શક્ય નથી. યુકેમાં રહેતા પરિવાર સાથે જોડાવા હજારો યુક્રેની શરણાર્થીઓએ યુકેના યુરોપસ્થિત પ્રોસેસિંગ સેન્ટર્સ ખાતે અરજીઓ કર્યા પછી ભારે વિલંબ સાથે અરાજકતા ફેલાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter