લંડનઃ ફાર રાઇટ એક્ટિવિસ્ટ ટોમી રોબિન્સન દ્વારા સપ્તાહાંતમાં લંડન ખાતે યુનાઇટ ધ કિંગડમના નેજા હેઠળ ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ વિરોધી રેલીનું આયોજન કરાયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર રેલીમાં 1,50,000થી વધુ લોકો સામેલ થયાં હતાં. તાજેતરના વર્ષોમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધનું આ સૌથી મોટું પ્રદર્શન હતું. યુનાઇટ ધ કિંગડમના બેનર હેઠળ હજારો લોકોએ થેમ્સ નદીના કિનારા પર યુનિયન, ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના ઝંડાઓ સાથે માર્ચ કરી હતી. રેલીમાં સામેલ ઉપદ્રવીઓ દ્વારા વ્યાપક હિંસા કરાઇ હતી જેના પગલે 26 પોલીસ અધિકારીઓને ઇજા પહોંચી હતી. જેમાંથી 4ની સ્થિતિ ગંભીર છે.
પોલીસે જણાવ્યું હતું કે, વ્હાઇટહોલ વિસ્તારમાં આટલી જંગી મેદની સમાય તેમ નહોતી. દેખાવકારોએ વિવિધ દિશામાંથી વ્હાઇટહોલ વિસ્તારમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ કરતાં વ્યાપક હિંસાનો સામનો કરવો પડ્યો હતો.
ટોમી રોબિન્સનની રેલીનો પ્રતિકાર કરવા રેસિઝમનો વિરોધ કરતાં સ્ટેન્ડ અપ ટુ ધ રેસિઝમ દ્વારા માર્ચ અગેન્સ્ટ ફાસિઝમ રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીમાં 5000 કરતાં વધુ લોકો હાજર રહ્યાં હતાં. એક તબક્કે બંને રેલી સામસામે આવી જતાં એકબીજા પર વસ્તુઓ ફેંકાઇ હતી. પોલીસે 25 લોકોની વિવિધ આરોપસર ધરપકડ કરી હતી.
પોતાના સમર્થકોને સંબોધન કરતાં ટોમી રોબિન્સને જણાવ્યું હતું કે, આ સાંસ્કૃતિક ક્રાંતિની આગ છે. કાયદા અને અદાલતોમાં ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને સ્થાનિક લોકો કરતાં વધુ અધિકાર મળે છે જે બ્રિટિશ જનતા સાથે અન્યાય છે.
માર્ચ અગેન્સ્ટ ફાસિઝમ રેલીને સંબોધન કરતા બ્રિટનના પહેલા મહિલા અશ્વેત સાંસદ ડાયને એબોટે જણાવ્યું હતું કે, રંગભેદ, વંશવાદ અને હિંસા નવી વાત નથી. તેમને હંમેશા પરાજિત કરાયાં છે. હવે ફરી તેમનો મુકાબલો કરવો પડશે. આપણે શરણાર્થીઓ માટે એક થવું પડશે.