લંડનઃ એશિયન, અશ્વેત અને મિશ્ર જાતિઓના તેમજ ગરીબ બાળકોનું યુનિવર્સિટીઓમાં જાતિવૈવિધ્ય જળવાય તેવા દબાણ હેઠળ શિક્ષકો છઠ્ઠાં ધોરણના આવાં બાળકોનો દેખાવ ઘણો સારો રહેશે તેવી A-લેવલ ગ્રેડ્સ આગાહી ઉદારતાપૂર્વક કરતા હોવાનું યુનિવર્સિટીઝ એડમિશન્સ સર્વિસીસના આંકડા કહે છે. તેઓ વાસ્તવમાં આવું લેવલ હાંસલ કરશે તેમ હોતું નથી.
ગ્રેડ્સ આગાહીનો નિર્ણય શિક્ષકો દ્વારા લેવાય છે અને વિદ્યાર્થીની યુનિવર્સિટી એપ્લિકેશનના હિસ્સા તરીકે તેને રજૂ કરવામાં આવે છે, જેનાથી તેને બેઠક ફાળવવી કે નહિ તેના નિર્ણયમાં એડમિશન ટ્યુટર્સને મદદ મળે છે. Ucasના આંકડા જણાવે છે કે ગ્રેડની આગાહીમાં શિક્ષકોનો આશાવાદ વિદ્યાર્થીની સામાજિક-આર્થિક પશ્ચાદભૂ પર વધુ આધારિત રહે છે. વંશીય લઘુમતી અને કચડાયેલાં વર્ગના વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં વધુ સ્થાન મળે તેવાં સરકારના રાજકીય દબાણનું આ પ્રતિબિંબ હોઈ શકે તેમ નિષ્ણાતો માને છે.
ગયા વર્ષે ૫૧ ટકા શ્વેત અરજદારો તેમના ગ્રેડ્સની આગાહીને સફળ બનાવવામાં બે કે વધુ ગ્રેડથી નિષ્ફળ રહ્યા હતા, જ્યારે અશ્વેત અરજદારોના ૬૮ ટકા તેમના ગ્રેડ્સની આગાહીને સાચી પાડી શક્યા ન હતા. GCSE ની સફળતા સહિતના પરિબળોમાં પણ આ બાબત સાચી છે. શ્વેત અરજદારોની સરખામણીએ વધુ ૩૩ ટકા અશ્વેત અરજદારો સફળતાની આગાહીને સાચી ઠરાવે તેવી ઓછી શક્યતા રહે છે. એશિયન, મિશ્ર જાતિઓ અને અન્ય વંશીય જૂથોના અરજદારોમાં નિષ્ફળતાની શક્યતા અનુક્રમે ૧૫ ટકા, ૫ ટકા અને ૨૪ ટકાની રહે છે. આ જ રીતે, સૌથી વધુ એડવાન્ટેજ ધરાવતા ૪૮ ટકા અરજદારોની સરખામણીએ સૌથી કચડાયેલાં વર્ગના ૫૯ ટકા અરજદારો ગ્રેડ આગાહી સાચી ઠરાવવામાં નિષ્ફળ રહે છે.


