યુનિયનોની હડતાળની ધમકીઓ સામે નહીં ઝૂકવા સુનાકનો નિર્ધાર

જાહેર ક્ષેત્રના કર્મચારીઓની હડતાળો પર રોક લગાવવા સરકારની કવાયત

Wednesday 14th December 2022 05:26 EST
 
 

લંડન

વડાપ્રધાન રિશી સુનાકે હડતાળની ધમકીઓ આપી રહેલા કર્મચારી યુનિયનો સામે નહીં ઝૂકવાનો નિર્ણય કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, બે ડિજિટમાં પગારવધારાની માગ સ્વીકારવાથી બ્રિટનના પ્રત્યેક પરિવાર પર 1000 પાઉન્ડનો બોજો પડશે. રિશી સુનાકની સરકાર સરકારી સેવાઓમાં કર્મચારીઓના હડતાળના અધિકારને મર્યાદિત કરવા ટૂંકસમયમાં નવા કાયદાઓની જાહેરાતની તૈયારી કરી રહ્યાં છે. આ કાયદાઓ અંતર્ગત એનએચએસના કર્મચારીઓ, શિક્ષકો, ફાયરબ્રિગેડના કર્મચારીઓ, બોર્ડર ફોર્સના કર્મચારીઓના હડતાળ પર જવાના અધિકાર પર રોક લગાવાશે. સરકાર સરકારી સેવાઓમાં હડતાળની અસર ઓછી કરવા માટે લઘુત્તમ સેવાના સ્તરનો અમલ કરવા જઇ રહી છે. સરકાર હડતાળ માટે તરફેણ કરતા કર્મચારીઓની સંખ્યા વધારવા અને યુનિયનોને હડતાળ માટે વધુ નોટિસ આપવાની ફરજ પાડી શકે છે.

સરકાર એમ્બ્યુલન્સના કર્મચારીઓ અને પેરામેડિકલ સ્ટાફની હડતાળ પર પ્રતિબંધ મૂકવાની પણ વિચારણા કરી રહી છે. રિશી સુનાકે સંસદમાં જણાવ્યું હતું કે, સરકાર વ્યાજબી કામગીરી કરી રહી છે. સરકારે પે રિવ્યૂ બોડીની ઘણી ભલામણો સ્વીકારી લીધી છે અને પ્રાઇવેટ સેક્ટર કરતાં પણ વધુ પગાર વધારો આપી રહી છે પરંતુ યુનિયનોના નેતાઓ ગેરવ્યાજબી વર્તન કરી રહ્યાં છે ત્યારે બ્રિટિશ જનતાના જીવનો અને જીવનધોરણોની સુરક્ષા માટે પગલાં લેવાની જવાબદારી મારી છે. તેથી હું જાહેર જનતાની હાડમારીઓ ઘટાડવા માટે નવા આકરા કાયદા ઘડવાની તૈયારી કરી રહ્યો છું.

સરકારે હડતાળો દરમિયાન 20 ટકા રેલવે સેવા ફરજિયાત કરી છે. સરકાર આજ નિયમ એજ્યુકેશન, એનએચએસ અને ફાયર સર્વિસ માટે પણ લાગુ કરી શકે છે. તે ઉપરાંત સરકાર હડતાળમાં જોડાવા ઇચ્છતા કર્મચારીઓની સંખ્યામાં પણ વધારો કરી શકે છે. 2017માં અમલી કાયદા અનુસાર હડતાળ માટે 40 ટકા કર્મચારીઓની સહમતિ જરૂરી છે. સરકાર હવે આ મર્યાદા વધારીને 50 ટકા કરી શકે છે. તે ઉપરાંત સરકાર હડતાળનો નોટિસ પીરિયડ બમણો કરી શકે છે. હાલ હડતાળ પર જવા માટે 14 દિવસ પહેલાં નોટિસ આપવી ફરજિયાત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter