યુનિવર્સલ ક્રેડિટ મેળવતા પરિવારોને લોન ચૂકવવા વધુ એક વર્ષનો સમય

કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસમાં અપાતી મદદ વધુ 6 મહિના લંબાવાઇ, ડેબ્ટ રિલીફ ઓર્ડરની 90 પાઉન્ડની ફી નાબૂદ કરાઇ

Tuesday 12th March 2024 16:42 EDT
 

લંડનઃ યુનિવર્સલ ક્રેડિટ મેળવતા પરિવારોને સરકાર પાસેથી લીધેલી ઇમર્જન્સી લોન ચૂકવવા માટે વધારાના એક વર્ષનો સમય અપાયો છે. ચાન્સેલર હન્ટે જણાવ્યું હતું કે, તેઓ બજેટિંગ એડવાન્સની પુનઃચૂકવણીનો સમય 12 મહિનાથી વધારીને 24 મહિના કરી રહ્યાં છે. બજેટિંગ એડવાન્સ દ્વારા એવા લોકોને મદદ કરાય છે જેઓ ઇમર્જન્સીમાં લાભ મેળવતા હોય. બાળકો ધરાવતા લોકો 100થી 812 પાઉન્ડની સહાય પ્રાપ્ત કરી શકે છે.

ચાન્સેલરે જણાવ્યું હતું કે, યુનિવર્સલ ક્રેડિટ પર રહેલા 10 લાખ જેટલા પરિવાર બજેટિંગ એડવાન્સ લોન લેતાં હોય છે. જેથી ઇમર્જન્સીમાં આવી પડેલા ખર્ચમાં મદદ મળી શકે. ચાન્સેલરે ડેબ્ટ રિલીફ ઓર્ડર મેળવવા માટેના 90 પાઉન્ડના ચાર્જને નાબૂદ કરવાની પણ ઘોષણા કરી હતી. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં નાદારી જાહેર કરવા માટે ડેબ્ટ રિલીફ ઓર્ડર સૌથી ઝડપી વિકલ્પ છે. જો લોકો દેવુ ચૂકવવામાં સક્ષમ ન હોય તો તો તેમની લોન માફ કરી દેવામાં આવે છે.

બીજીતરફ કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસથી પીડિત પરિવારોને મદદ માટે શરૂ કરાયેલા ભંડોળની મુદત વધુ 6 મહિના માટે લંબાવવામાં આવી છે. હન્ટે જણાવ્યું હતું કે, મોંઘવારી સામેની લડાઇ હજુ જારી છે. તેથી હાલ આ મદદ બંધ કરવાનો સમય નથી. તેથી અમે વધુ 6 મહિના આ મદદ જારી રાખીશું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter