લંડનઃ ચાન્સેલર રિશ સુનાક ટોરી બળવાખોરોના દબાણ સામે ઝૂકીને કોવિડ-૧૯ના સાપ્તાહિક ૨૦ પાઉન્ડની વધારાની યુનિવર્સલ ક્રેડિટને લંબાવવા સહમત થયા છે. આ રાહતથી વાર્ષિક ૬ બિલિયન પાઉન્ડનો બોજો વધશે. માર્ચ મહિનાના બજેટમાં આની જાહેરાત કરાશે.
કોરોના મહામારી દરમિયાન લોકોને સપોર્ટ કરવા ગયા વર્ષે વ્યાપક પેકેજના ભાગરુપે યુનિવર્સલ ક્રેડિટમાં ૧૨ મહિના સુધી સાપ્તાહિક ૨૦ પાઉન્ડનો વધારો કરાયો હતો. માર્ચ મહિનાના અંત આ યોજના પૂર્ણ થવાની છે. આ ઉપરાંત, ફર્લો સ્કીમ પણ એપ્રિલ મહિનાના અંતે સમાપ્ત થવાની છે ત્યારે ચાન્સેલર સુનાક રાહતોને લંબાવવાના દબાણનો સામનો કરી રહ્યા હતા. તેમણે સાંસદોને ચેતવણી આપી હતી કે કોઈ પણ મુદતવધારો કાયમી બની જાય અને વાર્ષિક ૬ બિલિયન પાઉન્ડનો બોજો ઉભો કરશે. સુનાકે કહ્યું હતું કે બેરોજગારી અને નીચા પગારોની સમસ્યાઓને હલ કરવા બેનિફિટ્સ વધારવા સિવાયના અનેક સારા માર્ગ પણ છે.
પૂર્વ પોવર્ટી ઝાર ડેમ લૂઈસ કેસીએ જણાવ્યું હતું કે માર્ચના અંતે પરિવારોના બજેટમાંથી સાપ્તાહિક ૨૦ પાઉન્ડનો કાપ મૂકવો ભારે દંડનીય બની રહેશે અને સરકાર ‘'nasty party’ની ખરાબ પ્રતિષ્ઠા પાછી મેળવશે. જોકે, ડેમ લૂઈસના કટાક્ષને ફગાવતા ડાઉનિંગ સ્ટ્રીટે સ્પષ્ટતા કરી હતી કે સરકારે કોવિડ મહામારીનો સામનો કરવા ૨૮૦ બિલિયન પાઉન્ડ ખર્ચી નાખ્યા છે. ૫૦ ટોરી સભ્યોના નોર્ધર્ન રિસર્ચ ગ્રૂપ દ્વારા ૨૦ પાઉન્ડનો વધારો ચાલુ રાખવાની તરફેણ કરી છે. બીજી તરફ, વર્ક અને પેન્શન્સ સેક્રેટરી થેરેસ કોફીએ પણ બેરોજગારી વધી રહી છે ત્યારે યુનિવર્સલ ક્રેડિટમાં કાપનો વિરોધ કર્યો હતો.