યુનિવર્સિટી પ્રવેશમાં છોકરાની સંખ્યા વધી

Monday 22nd August 2016 10:38 EDT
 
 

લંડનઃ યુનિવર્સિટી ડીગ્રીઓ માટે વિક્રમી ૪૨૪,૦૦૦ વિદ્યાર્થીઓને સ્થાન અપાયું છે. વિદ્યાર્થીઓ લેવાની સંખ્યાની સરકારી મર્યાદા દૂર કરાતા યુનિવર્સિટી અને કોલેજોમાં જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ત્રણ ટકાનો ઊછાળો આવ્યો છે. ત્રણ વર્ષમાં પ્રથમ વખત વિદ્યાર્થીઓ વચ્ચે લિંગભેદની ખાઈમાં ઘટાડો નોંધાયો છે. સ્વામીનારાયણ સ્કૂલના વિદ્યાર્થીઓએ ૨૦૧૬ એ-લેવલ પરિણામોમાં વિદ્યાર્થીદીઠ સરેરાશ ABB ગ્રેડ મેળવ્યા છે. 

યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવનારામાં ૧૮ વર્ષના બ્રિટિશ વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦૧,૦૦૦ (છોકરીઓ ૧૧૪,૩૩૦ અને છોકરા ૮૬,૯૦૦)થી વધુ રહી હતી, જે ગયા વર્ષની સરખામણીએ બે ટકા વધુ છે. તેમાંથી છોકરાની સંખ્યામાં ૨.૫ ટકા અને છોકરીઓની સંખ્યામાં ૧.૬ ટકાનો વધારો જોવાં મળ્યો છે. આ વર્ષે પ્રવેશમાં ૨૭,૪૦૦ છોકરીઓ વધુ હોવાં છતાં લિંગભેદની ખાઈ એક ટકો ઘટી છે. વર્ષ ૨૦૧૫માં આ ભેદ ૧૬ ટકા વધુ અને તે અગાઉના વર્ષમાં પાંચ ટકા વધુ હતો. પ્રવેશ મેળવનારાં કુલ ૪૨૪,૦૦૦ વિદ્યાર્થીમાંથી અન્ય વયજૂથ અને રાષ્ટ્રોના ૨૨૩,૦૦૦ વિદ્યાર્થી હતાં.

સરકાર અને યુનિવર્સિટીઓ વર્કિંગ ક્લાસના શ્વેત છોકરા વિદ્યાર્થીની વધુ ભરતી કરવા માગે છે તેથી યુનિવર્સિટીઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશસંખ્યાની મર્યાદા સરકારે દૂર કરી છે. આંકડાઓ અનુસાર ૨૦૧૫ની સરખામણીએ ઓછાં એડવાન્ટેજ ધરાવતા સાત ટકા વધુ વિદ્યાર્થીને પ્રવેશ મળવાની શક્યતા છે. આમ છતાં, ગરીબ વિદ્યાર્થીઓની સરખામણીએ સમૃદ્ધ પરિવારોના સંતાનોને ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મળવાની શક્યતા ૨.૫ ગણી છે.

સ્વામીનારાયણ સ્કૂલના વિદ્યાર્થીઓએ ૨૦૧૬ એ-લેવલ પરિણામોમાં વિદ્યાર્થીદીઠ સરેરાશ ABB ગ્રેડ મેળવ્યા છે. શાળાના હેડટીચર નિલેશ માનાણીએ કહ્યું હતું કે, ‘વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ અસંખ્ય પરીક્ષાઓ અને અભ્યાસક્રમોમાં ફેરફારોના દબાણ હેઠળ પણ સખત મહેનત કરી હતી. મને તેમના માટે ગૌરવ છે. ખાસ તો, રક્ષા જૈને એ લેવલમાં ત્રણ ગ્રેડ A*, ASમાં એક A મેળવેલ છે અને સેન્ટ જ્યોર્જમાં બાયો-મેડિસિન અભ્યાસ કરશે; વિશાલી પાલાએ એ લેવલમાં ત્રણ ગ્રેડ A* મેળવેલ છે અને ઈમ્પિરિયલમાં કેમિસ્ટ્રીનો અભ્યાસ કરશે; ધવલ પટેલે એ લેવલમાં એક ગ્રેડ A*, બે A મેળવેલ છે અને UCLમાં એન્જિનીઅરિંગનો અભ્યાસ કરશે; એહસાન વર્માએ એક A*, બે A ગ્રેડ અને ASમાં એક A મેળવેલ છે અને ઈમ્પિરિયલ કોલેજમાં ફીઝિક્સનો અભ્યાસ કરશે. અમારી વિદ્યાર્થિનીઓએ પણ મોટા પ્રમાણમાં A* મેળવેલ છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter