લંડનઃ વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ થયા પછી તગડી લોન પરત કરવી પડે છે જેના કારણે તેઓ ક્યારેય દેવામાંથી બહાર આવી શક્તા નથી. તેથી હાઉસ ઓફ કોમન્સની ટ્રેઝરી કમિટીએ હાલની યુનિવર્સિટી ફાઇનાન્સ સિસ્ટમ વિદ્યાર્થીઓ માટે ન્યાયી છે કે કેમ તે નક્કી કરવા નવી તપાસ શરૂ કરી છે. જેમાં સ્ટુડન્ટ લોનને સસ્તી કરવી જોઇએ કે નહીં તે અંગે સમીક્ષા કરાશે.
ટ્રેઝરી કમિટીના અધ્યક્ષ અને લેબર સાંસદ ડેમ મેગ હિલિયરે જણાવ્યું હતું કે, મને ભય છે કે લોન પરત કરવાની શરતોમાં બદલાવના કારણે ગ્રેજ્યુએટોના લક્ષ્યાંકો બદલાઇ ગયાં છે. આ શરતો જેમની લોન ચૂકવવાની બાકી છે તેવા સ્ટુડન્ટ માટે છે.
સાંસદો સરકારને સવાલ કરી રહ્યાં છે કે શું લોન માટે વિદ્યાર્થી પાસેથી વ્યાજ લેવું જોઇએ? સ્ટુડન્ટ લોન પરનો વ્યાજદર આવક આધારિત અને ફુગાવા આધારિત હોવો જોઇએ? સરકાર દ્વારા સ્ટુડન્ટ લોન પરના વ્યાજદર બ્લોક કરી દેવાય છે, શું તે યોગ્ય છે? વિદ્યાર્થીએ એકવાર લોન લઇ લીધી પછી તેના પરની શરતોમાં બદલાવ કરવો જોઇએ?

