લંડનઃ કોરોના મહામારી દરમિયાન શિક્ષણની ગુણવત્તા માટે હજારો વિદ્યાર્થીઓએ રિફંડની માગ કરતા યુનિવર્સિટીઓને કોર્ટમાં ઓનલાઇન શિક્ષણકાર્યનો બચાવ કરવાની ફરજ પડશે. બ્રિટિશ યુનિવર્સિટીઓ સામે સૌથી મોટો લિટિગેશન કેસ દાખલ કરવા માટે 1,50,000 કરતાં વધુ વિદ્યાર્થી તૈયાર થયાં છે. યુનિવર્સિટીઓ પર આરોપ મૂકાયો છે કે કોરોના મહામારી દરમિયાન તેમણે ઇનપર્સન ટિચિંગ અને ફેસિલિટી માટેની ફરજોનું ઉલ્લંઘન કર્યું છે. જો અદાલતમાં દાવા સફળ પૂરવાર થશે તો યુનિવર્સિટીઓએ 765 મિલિયન પાઉન્ડ ચૂકવવા પડશે.
કોરોના મહામારી અને લેક્ચરરોની હડતાળના કારણે અભ્યાસને થયેલા નુકસાન માટે 5000 જેટલાં વિદ્યાર્થીએ યુનિવર્સિટી કોલેજ લંડનને હાઇકોર્ટમાં ઘસડી જવાનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે લેક્ચરો રદ થવા અને અભ્યાસમાં ખલેલના કારણે 2018થી 2022 વચ્ચે તેમના ટ્યુશન કોન્ટ્રાકટનું ઉલ્લંઘન થયું હતું.
જુલાઇ 2023માં હાઇકોર્ટ જજે વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીને સમાધાનના પ્રયાસ કરવા અપીલ કરી હતી પરંતુ વિદ્યાર્થીઓના વકીલોનું કહેવું છે કે મંત્રણાઓના કોઇ પરિણામ આવ્યા નથી તેથી અમે હવે હાઇકોર્ટમાં લડી લઇશું. આ દાવામાં સામેલ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા પણ 1000થી વધીને 5000 પર પહોંચી છે.
વિદ્યાર્થીઓનો આરોપ છે કે કોરોના મહામારી દરમિયાન લેક્ચર ઓનલાઇન થવા અને રદ થવાના કારણે અમે નાપાસ થયાં હતાં. તેમને લાયબ્રેરી, સ્ટડી સ્પેસ અને લેબમાં પ્રવેશનો પણ ઇનકાર કરી દેવાયો હતો. હાઇકોર્ટની અપીલના 9 મહિના વીતી ગયાં છતાં હજુ વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી વચ્ચે કોઇ સમાધાન થઇ શક્યું નથી તેથી હવે તેમણે હાઇકોર્ટમાં લડી લેવાનો નિર્ણય કર્યો છે.

