લંડનઃ કોરોના મહામારીના કારણે બ્રિટિશ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરનારા દેશ અને વિદેશના વિદ્યાર્થીઓની સંખ્યા ભારે પ્રમાણમાં ઘટી જવાથી તેમની આવકને નોંધપાત્ર નુકસાન થવાનું છે. આ સંજોગોમાં સરકારે યુનિવર્સિટીઓને ૨.૬ બિલિયન પાઉન્ડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. જોકે, આ સાથે એ શરત રખાઈ છે કે તેઓ નાણાકીય બોજો સરભર કરવાના વધારાના વિદ્યાર્થીઓ લઈ શકશે નહિ. આમ વિદ્યાર્થીઓની સંખ્યાનો કામચલાઉ અંકુશ સરકાર હસ્તક રહેશે.
બ્રિટિશ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરનારા સંભવિત પાંચમાંથી એક વિદ્યાર્થીએ કોરોના મહામારીના કારણે ઓટમમાં અભ્યાસ માટે પ્રવેશની પસંદગી કરવાનું મુલતવી રાખ્યું છે ત્યારે સંખ્યા ઘટવાના કારણે યુનિવર્સિટીઓને આર્થિક નુકસાન સહન કરવાનું થશે. યુનિવર્સિટી પ્રવેશના લગભગ ૪૮ ટકા અરજદારો માને છે કે કોરોના વાઈરસ કટોકટીના કારણે તેમને પ્રથમ પસંદગીની સંસ્થામાં પ્રવેશની તકને નુકસાન પહોંચશે. સટન ટ્રસ્ટના ૧૭-૧૯ વયજૂથના ૫૧૧ અરજદારના પોલમાં જાણવા મળ્યું હતું કે ૧૯ ટકાએ આ વર્ષે તેમની યુનિવર્સિટી હાજરી મુદ્દે વિચાર બદલી નાખ્યો છે અથવા નિર્ણય બાકી રાખ્યો છે.
આ સંજોગોમાં એજ્યુકેશન સેક્રેટરી ગાવિન વિલિયમસને પ્રવેશને સ્થિર રાખવા અને અંડરગ્રેજ્યુએટ્સને રક્ષણ આપવા યુનિવર્સિટીઓ માટે ૨.૬ બિલિયન પાઉન્ડનું નાણાકીય સહાય પેકેજ જાહેર કર્યું છે. જોકે, કોઈ નાણાકીય ખોટને સરભર કરવા તેઓ વર્ષ ૨૦૨૦-૨૧ માટે યુકે અને ઈયુમાંથી ફુલટાઈમ અંડરગ્રેજ્યુએટ્સને વધારે સંખ્યામાં પ્રવેશ આપી શકશે નહિ. આમ, સરકારને વિદ્યાર્થીઓની સંખ્યા બાબતે હંગામી અંકુશ પ્રાપ્ત થશે. સ્ટુડન્ટ ફાઈનાન્સ સિસ્ટમ મારફત સરકાર પ્રવેશ પર અંકુશ રાખશે, જેમાં યુકે પબ્લિક સર્વિસીસને સપોર્ટ કરવા નર્સીસ, મિડવાઈવ્ઝ અથવા તેવા હેલ્થ કોર્સીસની ૫,૦૦૦ નિશ્ચિત બેઠક સહિત વધારાની ૧૦,૦૦૦ બેઠકની ફાળવણી સરકાર હસ્તક રહેશે.
સરકાર દ્વારા સહાય તરીકે ટ્યુશન ફીની વહેલી ચુકવણી કરાશે તેમજ રિસર્ચ પ્રવૃત્તિઓને રક્ષવા ૧૦૦ મિલિયન પાઉન્ડની સહાય પણ અપાશે. દરમિયાન, શિક્ષણસંસ્થાઓ નાણાકીય મુશ્કેલી અનુભવી રહેલા વિદ્યાર્થીઓના મુશ્કેલી ભંડોળોને વધારવા એપ્રિલ અને મે મહિનાના ગાળામાં કુલ ૪૬ મિલિયન પાઉન્ડના પ્રવર્તમાન ફંડનો ઉપયોગ કરી શકશે.