યુનિવર્સિટીઓમાં આગામી બે વર્ષ માટે ટ્યુશન ફી મહત્તમ 9250 પાઉન્ડ રહેશે

લિવિંગ કોસ્ટ ક્રાઇસિસથી યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ પરેશાન

Wednesday 18th January 2023 06:09 EST
 
 

લંડન

ઇંગ્લેન્ડમાં આગામી બે વર્ષ માટે યુનિવર્સિટીઓની ટ્યુશન ફી મહત્તમ 9250 પાઉન્ડ રહેશે પરંતુ આ ઓટમમાં મેન્ટેનન્સ લોનમાં 2.8 ટકા સુધીનો વધારો થતાં વિદ્યાર્થીઓની લિવિંગ કોસ્ટમાં વધારો થશે. આ વર્ષે લોનમાં ફક્ત 2.3 ટકાનો જ વધારો થતાં વિદ્યાર્થીઓને મોટો ફટકો પડ્યો છે. સરકારે જણાવ્યું છે કે તે યુનિવર્સિટીઓને હાર્ડશિપ ફંડમાં 15 મિલિયન ડોલર આપશે.

નેશનલ યુનિયન ઓફ સ્ટુડન્ટ્સે વિદ્યાર્થીઓને અપાતી નાણાકીય સહાયને આવકારી છે પરંતુ જણાવ્યું છે કે હાર્ડશિપ ફંડ લાંબાસમયની સમસ્યાઓ પર થીંગડા મારવા જેવી બાબત છે. યુનિયને વિદ્યાર્થીઓને લિવિંગ કોસ્ટને પહોંચી વળવા માટે મોટી લોન અને ગ્રાન્ટ આપવાની માગ કરી છે જેથી તેઓ વધી રહેલા સ્ટુડન્ટ રેન્ટને પહોંચી વળી શકે.

સરકારે ગયા સપ્તાહમાં જણાવ્યું હતું કે, 2023-24ના શૈક્ષણિક વર્ષમાં અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટેની મેન્ટેનન્સ લોન અને ગ્રાન્ટમાં 2.8 ટકા સુધીનો વધારો કરાશે. સ્ટુડન્ટ યુનિયને જણાવ્યું છે કે આ વધારો પુરતો નથી.

યુનિવર્સિટી એન્ડ કોલેજ યુનિયને જણાવ્યું છે કે આ વધારાથી ભાગ્યે જ કોઇ રાહત મળવાની છે. મોંઘવારી, વધી રહેલા એનર્જી બિલ, ટ્રાન્સપોર્ટ કોસ્ટ, મકાન ભાડાં અને ઓછાં વેતનો શૈક્ષણિક સ્ટાફના જીવન પણ હાડમારીભર્યાં બનાવી રહ્યાં છે. એનયુએસના એક રિસર્ચમાં જણાવવામાં આવ્યું હતું કે, ભાડાં અને તમામ પ્રકારના બિલ ચૂકવ્યા બાદ 33 ટકા વિદ્યાર્થી પાસે ફક્ત 50 પાઉન્ડ બચતા હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter