લંડનઃ નેટવેસ્ટ, માસ્ટરકાર્ડ અને હોમ ઓફિસ દ્વારા કરાયેલી ‘સ્ટોપ! થિન્ક ફ્રોડ’ સંયુકત કેમ્પેઈનમાં ચેતવણી અપાઈ છે કે યુનિવર્સિટીના નવા વિદ્યાર્થીઓ કૌભાંડ- ઠગાઈનો સૌથી વધુ શિકાર બને છે. કેમ્પસ લાઈફના પ્રથમ ત્રણ મહિનામાં જ 78 ટકા વિદ્યાર્થીઓએ આવી ઘટનાઓ અનુભવી હોવાનું સરવેમાં જણાવ્યું છે.
નેટવેસ્ટ, માસ્ટરકાર્ડ અને હોમ ઓફિસની ‘સ્ટોપ! થિન્ક ફ્રોડ’ કેમ્પેઈનમાં વિદ્યાર્થીઓને કૌભાંડો કે ઠગાઈ બાબતે સાવચેતી રાખવા અને કેમ્પેઈનમાં અપાયેલી સલાહોને અનુસરવા અનુરોધ કરાયો છે. લોકોને જે કરવાનું કહેવામાં આવે છે તેના વિશે વિચારવા અને તપાસ કરવાની સલાહ સંયુક્ત કેમ્પેઈનમાં અપાઈ છે.
સરવેના અભ્યાસ અનુસાર ઉચ્ચ શિક્ષણમાં ન હોય તેવા લોકોની સરખામણીએ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કૌભાંડ કે છેતરપીંડીનો બમણો સામનો કરે છે. વ્યાપક વસ્તીના 36 ટકા લોકો છેતરપીંડી કે કૌભાંડનો શિકાર બને છે તેની સરખામણીએ યુનિવર્સિટીના 69 ટકા વિદ્યાર્થીઓ શિકાર બને છે. કૌભાંડનો શિકાર બનેલા વિદ્યાર્થીઓમાંથી 78 ટકાએ જણાવ્યું હતું કે કેમ્પસમાં આવ્યાના ત્રણ જ મહિનામાં તેમણે આવી સ્થિતિનો સામનો કર્યો હતો.
ફ્રોડ મિનિસ્ટર લોર્ડ હેન્સને જણાવ્યા મુજબ ઠગાઈ કરનારા મુખ્યત્વે નવા વિદ્યાર્થીઓને શિકાર બનાવે છે. તપાસ કરવા માટે એક પળ થોભવાથી નવી ટર્મના આરંભે ફ્રોડસ્ટર્સને તમારા એકાઉન્ટ્સને ખાલી કરતા અટકાવી શકાય છે. વિદ્યાર્થીઓ મુખ્યત્વે રેન્ટલ સ્કેમ્સનો શિકાર બને છે જેમાં બનાવટી પ્રોપર્ટી લિસ્ટિંગમાં કરાયેલી ઘરની જાહેરાતોમાં અપ-ફ્રન્ટ ડિપોઝીટ્સની માગણી કરવામાં આવે છે. નોકરીઓની બનાવટી જાહેરાતો, એકદમ સસ્તી બનાવટી મોટર ઈન્સ્યુરન્સ પોલિસીઓ, બનાવટી ફ્લેટ્સ અને છેતરપીંડીના ઈન્વેસ્ટમેન્ટ્સ થકી તેમની પાસેથી નાણા પડાવાય છે.


