યુરોઝોન પરથી મંદીના વાદળો વિખેરાયાં

એનર્જીની કિંમતો અને ફુગાવામાં ઘટાડો, સરકારો દ્વારા અપાતી અઢળક સહાય અને ચીની અર્થતંત્રમાં આવેલા વેગના કારણે 2023માં મંદીની શક્યતાઓ નહીંવત – અર્થશાસ્ત્રીઓ

Wednesday 25th January 2023 05:47 EST
 
 

લંડન

છેલ્લા કેટલાક સપ્તાહના ગ્લોબલ ઇકોનોમિક સેન્ટિમેન્ટ દર્શાવે છે કે યુરોઝોન પરથી મંદીના વાદળઓ વિખેરાઇ રહ્યાં છે. યુરોઝોનના દેશોમાં આ વર્ષે મંદી આવવાની સંભાવનાઓ નહીંવત બની ગઇ છે. હજુ ગયા મહિના સુધી તો અર્થશાસ્ત્રીઓ એવી આગાહી કરી રહ્યાં હતાં કે 2023માં યુરોઝોન મંદીમાં ધકેલાઇ જશે પરંતુ આ મહિનાના સરવે દર્શાવે છે કે યુરોઝોનનો જીડીપી 0.1 ટકા વધી જશે. એનર્જીની કિંમતોમાં ઘટાડો, સરકારો દ્વારા અપાતી અઢળક સહાય અને ચીની અર્થતંત્રમાં આવેલા વેગના કારણે આ શક્ય બની રહ્યું છે.

ગયા સપ્તાહમાં દાવોસ ખાતે મળેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકમાં હાજર રહેલા અધિકારીઓ અને બિઝનેસમેન દ્વારા વ્યક્ત કરાયેલી આશાઓના કારણે આ અંદાજ સામે આવી રહ્યો છે. આઇએમએફએ પણ જણાવ્યું છે કે તે ટૂંકસમયમાં વૈશ્વિક આગાહીઓને સુધારશે. અર્થશાસ્ત્રીઓને ભય હતો કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ગ્લોબલ ઇકોનોમીમાં યુરોપને સૌથી વધુ નુકસાન થશે. થોડા જ સપ્તાહો પહેલાં આઇએમએફના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ જણાવ્યું હતું કે, 2023માં યુરોપિયન યુનિયન મંદીમાં ધકેલાઇ જશે.અર્થશાસ્ત્રીઓ હવે કહી રહ્યાં છે કે મંદીના વાદળો વિખેરાઇ રહ્યાં છે. એનર્જી ક્રાઇસિસનો ભય ઘટી રહ્યો છે. ફુગાવાનોદર પણ ધાર્યા કરતાં વધુ ઝડપથી ઘટી રહ્યો છે. ઓક્ટોબરથી અમારા અંદાજો બદલાઇ રહ્યાં છે. સરકારો દ્વારા ધાર્યા કરતાં વધુ સહાય અપાઇ છે. ઉદ્યોગો ઝડપથી પ્રગતિ કરી રહ્યાં છે.

જથ્થાબંધ ગેસની ઘટેલી કિંમતો હકારાત્મક પરિબળ

યુબીએસના અર્થશાસ્ત્રી આન્ના તિતારેવા કહે છે કે સપ્લાય ચેઇન આડેના અવરોધો દૂર થઇ રહ્યાં છે, સ્ટ્રોંગ લેબર માર્કેટ અને વધુ બચતો યુકોઝોનને આર્થિક બફર પૂરાં પાડી રહ્યાં છે. તાજેતરના મહિનાઓમાં યુરોપે તેના ગેસ સ્ટોરેજ વધારી દીધાં છે જેના કારણે ગેસ રેશનિંગમાં ઘટાડો થઇ રહ્યો છે. જથ્થાબંધ ગેસની કિંમતો રશિયાના યુક્રેન પરના આક્રમણ પહેલાંના સ્તરે પહોંચી છે જે વધુ એક હકારાત્મક પરિબળ છે.

યુરોઝોનનો જીડીપી વૃદ્ધિદર 0.5 ટકા રહેવા અંદાજ

જે પી મોર્ગને 2023 માટે યુરોઝોનનો જીડીપી વૃદ્ધિદર વધારીને 0.5 ટકા કરી દીધો છે. આશા છે કે નેચરલ ગેસની કિંમતો અગાઉના અંદાજ 155 યૂરો કરતાં ઘટીને 76 યૂરો મેગાવોટ અવર રહેવાની સંભાવના છે. ગોલ્ડમેન સાશના જણાવ્યા અનુસાર ચીનમાં વધી રહેલી માગના પરિણામે યુરોપિયન વેપારને વેગ મળશે.

કેટલાક અર્થશાસ્ત્રીઓને હજુ મંદીની આશંકા

મોટાભાગની આર્થિક સંસ્થાઓ મંદીને નકારી રહી છે ત્યારે કેટલાક અર્થશાસ્ત્રી હજુ પણ મંદીની આશંકા સેવી રહ્યાં છે. બાર્કલેના અર્થશાસ્ત્રી સિલ્વિયા આર્દેગ્નાએ જણાવ્યું હતું કે, મંદીની અસરો અગાઉની ધારણા જેટલી તીવ્ર નહીં હોય તેમ છતાં પણ યુરોઝોનમાં પ્રથમ બે ત્રિમાસિકમાં મંદી જોવા મળશે. કેનિંગહામે ચેતવણી આપી છે કે ઇસીબી દ્વારા વ્યાજદરમાં આક્રમક વધારાના કારણે રિકવરી નબળી રહી શકે છે. ઇસીબીના વડા ક્રિસ્ટિન લાગાર્ડે સંકેત આપ્યો છે કે ઇસીબી દ્વારા વ્યાજદરમાં 50 બેઝિસ પોઇન્ટનો વધારો થઇ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter