લંડનઃ યુક્રેન મામલે સતત બદલાઇ રહેલા પ્રવાહો મધ્યે અમેરિકાને તિલાંજલિ આપવા યુરોપના મહત્વના દેશ મન મક્કમ કરી ચૂક્યાં હોય તેમ લાગી રહ્યું છે. યુકેના વડાપ્રધાન સર કેર સ્ટાર્મર અને ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંની આગેવાનીમાં યુક્રેનમાં શાંતિ માટે યુરોપના દેશો એકજૂથ થવા લાગ્યાં છે. સોમવારે યુરોપના 18 દેશના પ્રતિનિધિઓની બેઠકમાં વડાપ્રધાન કેર સ્ટાર્મરે યુક્રેન-રશિયા યુદ્ધનો અંત લાવવા અને રશિયાથી યુક્રેનનું રક્ષણ કરવા ચાર મુદ્દાની યોજના રજૂ કરી હતી.
વડાપ્રધાન સ્ટાર્મરે જણાવ્યું હતું કે, યુકે, ફ્રાન્સ અને અન્ય દેશો કોએલિશન ઓફ ધ વિલિંગની રચના કરવા અને તેમાં અમેરિકાને પણ સામેલ કરવાના પ્રયાસો વેગવંતા બનાવશે. સ્ટાર્મરે જણાવ્યું હતું કે, આજે આપણે ઐતિહાસિક ચૌરાહા પર ઊભા છીએ.
સમિટ બાદ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે, યુક્રેન એક મજબૂત સમર્થન અનુભવી રહ્યો છે. લાંબા સમય પછી યુરોપિયન એકતાની ચરમસીમા જોવા મળી રહી છે. અમે સાથે મળીને યુરોપમાં અમેરિકાના સહકારથી સાચી શાંતિ અને સુરક્ષાની બાંયધરી ઇચ્છીએ છીએ.
ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંએ જણાવ્યું હતું કે, પેરિસ અને લંડન રશિયા અને યુક્રેન વચ્ચે એક મહિનાનો યુદ્ધવિરામ ઇચ્છે છે. સ્ટાર્મરે ચાર મુદ્દાની યોજના પણ જાહેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, યુકે યુક્રેનને લશ્કરી સહાય ઉપલબ્ધ કરાવવા 2.2 બિલિયન પાઉન્ડની લોન આપશે અને 5000 ડિફેન્સ મિસાઇલની ખરીદી માટે વધારાની 1.6 બિલિયન પાઉન્ડની ફાળવણી કરાશે.
સ્ટાર્મરે જણાવ્યું હતું કે, આપણે ભૂતકાળની ભૂલોમાંથી શીખવું જોઇએ. રશિયા સહેલાઇથી ભંગ કરે તેવી કોઇપણ નબળી સંધિનો સ્વીકાર કરવો જોઇએ નહીં.
આ સમિટમાં યુકે ઉપરાંત ફ્રાન્સ, પોલેન્ડ, સ્વીડન, તૂર્કી, નોર્વે, ચેક રિપબ્લિક, ડેન્માર્ક, જર્મની, નેધરલેન્ડ, રોમાનિયા, ફિનલેન્ડ, ઇટાલી, સ્પેન અન કેનેડાના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યાં હતાં. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેરે જણાવ્યું હતું કે, યુરોપના પુનઃશસ્ત્રીકરણનો સમય આવી પહોંચ્યો છે.
ઝેલેન્સ્કીની કિંગ ચાર્લ્સ સાથે પણ મુલાકાત
સમિટ બાદ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સેન્ડરિંગહામ ખાતે કિંગ ચાર્લ્સ તૃતીયને મળ્યાં હતાં. ત્યારબાદ તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, યુક્રેન અમેરિકા સાથે ખનીજ સંધિ કરવા તૈયાર હતો પરંતુ ઉગ્ર ચર્ચાને પગલે યુક્રેનનું પ્રતિનિધિમંડળ સંધિ પર હસ્તાક્ષર પહેલાં જ વ્હાઇટ હાઉસથી રવાના થઇ ગયું હતું.
આ 4 મુદ્દા પર યુરોપના દેશોની સહમતિ
- યુક્રેનને લશ્કરી સહાય જારી રહે, રશિયા પર આર્થિક દબાણ વધારવામાં આવે
- યુક્રેનની સ્વાયત્તતા અને સુરક્ષા માટે લાંબાગાળાની શાંતિ જરૂરી, દરેક શાંતિ મંત્રણામાં યુક્રેનની હાજરી જરૂરી
- ભવિષ્યમાં કોઇપણ પ્રકારનું આક્રમણ ન થાય તે માટે યુક્રેનની રક્ષણાત્મકતામાં વધારો કરવો
- યુક્રેનની કોઇપણ પ્રકારની સંધિના જતન માટે કોએલિશન ઓફ વિલિંગ ગઠબંધનની રચના
યુરોપ પ્લસ ગઠબંધન રચવા યુકે અને ફ્રાન્સની કાવયત
યુક્રેનની સુરક્ષા માટે યુકે અને ફ્રાન્સ યુરોપ પ્લસ ગઠબંધન રચવાની કવાયત કરી રહ્યાં છે. લંડન ખાતેની સમિટમાં કેનેડા અને તૂર્કી પણ હાજર રહ્યાં હતાં. કેનેડાની હાજરી ધ્યાન કેન્દ્રિત કરનારી હતી કારણ કે તાજેતરના ટ્ર્મ્પના કેનેડા વિરોધી વલણને કારણે કેનેડા પણ હવે યુરોપ તરફ ઝૂકે તેવી પ્રબળ સંભાવના છે.
ન્યૂ વર્લ્ડ ઓર્ડર, મિની નાટોની રચનાના પ્રયાસ
બ્રેક્ઝિટ બાદ યુરોપમાં હાંસિયામાં ધકેલાઇ ગયેલ બ્રિટન ફરી એકવાર કેન્દ્રવર્તી ભુમિકામાં આવી ગયો છે. લંડનમાં યુરોપના 18 દેશ અને કેનેડાના વડાપ્રધાનને એકઠાં કરવામાં વડાપ્રધાન સ્ટાર્મર સફળ રહ્યાં છે. યુરોપમાં હવે એક નવો વર્લ્ડ ઓર્ડર આકાર પામી રહ્યો છે. અમેરિકા પર વધુ નિર્ભર ન રહેતાં યુરોપના દેશો હવે મિની નાટો જેવા સંગઠનની રચના કરીને પોતાની સુરક્ષાની જવાબદારી જાતે જ સંભાળી લેવાની તૈયારી કરી રહ્યો છે.


