લંડનઃ ત્રાસવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (ISIS)ના ધાર્મિક પોલીસ ફોર્સના પૂર્વ કમાન્ડર અમીર અબુ અબૌદ અલ રાક્વીએ ચેતવણી આપી છે કે ISIS યુકેમાં તેના સ્લીપર સેલ્સમાં ખતરનાક જેહાદીઓની ઓનલાઈન ભરતી કરી રહેલ છે. આ સંભવિત જેહાદી રીક્રુટ્સને વધુ ઉદ્દામવાદી બનાવવા સીરિયા અને ઈરાકમાં મુસ્લિમોની હત્યા કરાતી હોય તેવા ડોક્યુમેન્ટ્સ, વીડિયો અને પ્રોપેગેન્ડા મોકલાઈ રહ્યા છે. વેસ્ટર્ન યુરોપમાં જેહાદી સ્લીપર સેલ્સ સ્થાપવામાં બહુભાષી અને સોફિસ્ટેકેટેડ ટેરરિસ્ટ રીક્રુટર્સ મદદ કરી રહ્યા છે.
સ્વીડન, જર્મની, ફ્રાન્સ, યુકે, તુર્કી, આઝરબૈજાન અને વિશ્વના અન્ય પ્રદેશોમાં ત્રાસવાદીઓના મિત્રો અને પરિવારો ફેલાયેલા છે. પશ્ચિમના ભારે દબાણના કારણે વિદેશી જેહાદીઓ સીરિયામાં ઘૂસણખોરી કરે તેને ISIS દ્વારા અટકાવી દેવાયું છે. આના બદલે જેહાદીઓને પોતાના જ દેશમાં રહી ત્રાસવાદી હુમલાના આદેશોની રાહ જોવાં જણાવાયું છે. સીરિયા અને ઈરાકથી આદેશ મળતાં જ સ્લીપર સેલના જેહાદીઓ દ્વારા સુપર માર્કેટ્સ, એરપોર્ટ્સ સહિતના સ્થળોએ ત્રાસવાદી હુમલા કરાશે. યુકેમાં પણ આવા સ્લીપર સેલ્સ હોવાનું અલ-રાક્કાવીએ જણાવ્યું હતું. માન્ચેસ્ટર અરેના સહિતના ત્રાસવાદી હુમલામાં સ્લીપર સેલ્સ સંકળાયા હોવાનું સ્થાપિત થયું છે.
અલ-રાક્કાવીએ ઈસ્લામિક ધાર્મિક પોલીસ ફોર્સ અલ-હિસ્બાહ સહિતના જૂથોમાં ઉચ્ચ હોદ્દાઓ સંભાળ્યા હતા. હવે તે સીરિયામાં ખિલાફતની રાજધાની રાક્કામાંથી નાસી જઈ તેની ચાર પત્નીઓ સાથે અન્યત્ર છુપાયો છે.