લંડનઃ બ્રિટનમાં કોરોનાનો વધુ જીવલેણ પ્રકાર સામે આવતાં યુરોપના દેશોએ બ્રિટનથી આવતી ફ્લાઇટો પર પ્રતિબંધ લાદવાનું શરૂ કરી દીધું છે. સૌપ્રથમ નેધરલેન્ડે રવિવારથી જ બ્રિટનથી આવતી પેસેન્જર ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. બેલ્જિયમે રવિવાર મધરાતથી બ્રિટનથી આવતી ફ્લાઇટ્સ, ફેરીઝ અને ટ્રેનો પર રોક લગાવી દીધી છે. ઇટાલીએ પણ બ્રિટનની પેસેન્જર ફ્લાઇટને અટકાવી દીધી છે.
ફ્રાન્સે લાદેલા પ્રવાસ પ્રતિબંધોમાં બ્રિટનની લોરીઝને પણ આવરી લેતા બ્રિટિશ સુપરમાર્કેટ્સની અભરાઈઓ ખાલી થઈ જવાનો ભય સર્જાયો છે. યુકેમાંથી બહાર જનારા તમામ ફ્રેઈટ વાહનો માટે પોર્ટ ઓફ ડોવર આગામી ૪૮ કલાક માટે બંધ કરી દેવાયું છે. ફ્રાન્સથી બ્રિટન માલસામાન લઈ આવનારા વાહનોને હજુ છૂટ અપાઈ છે પરંતુ, યુકેમાં ફસાઈ જવાના ડરે લોરી ડ્રાઈવર્સ પ્રવાસ ખેડે નહિ તેવો પણ ડર છે. યુકે સરકારે પણ માલસામાનનું વહન કરનારાઓને વધુ સૂચના ન અપાય ત્યાં સુધી દેશના પોર્ટ્સ પર નહિ જવા જણાવ્યું છે.
૧૩ યુરોપીય દેશ ફ્રાન્સ, જર્મની, ઈટાલી, સ્વિટ્ઝરલેન્ડ, પોર્ટુગલ, બેલ્જિયમ, ઓસ્ટ્રિયા, બલ્ગેરિયા, ડેનમાર્ક, ફિનલેન્ડ, રોમાનિયા, ક્રોએશિયા અને નેધરલેન્ડ્સે યુકેથી આવનારી ફલાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે.