યુરોપમાં 1945 પછીનું સૌથી મોટું રેફ્યુજી સંકટ

Wednesday 09th March 2022 02:19 EST
 
 

લંડનઃ યુક્રેન પર રશિયાના આક્રમણના પગલે લાખો લોકો જાન બચાવવા યુક્રેન છોડીને નાસી છૂટ્યા છે. યુનાઈટેડ નેશન્સના જણાવ્યા અનુસાર 1945ના દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી યુરોપમાં આ સૌથી મોટું શરણાર્થી સંકટ સર્જાયું છે જેમાં અત્યાર સુધી 1.7 મિલિયનથી વધુ લોકો યુક્રેનની પડોશી દેશોની સરહદે આવી પહોંચ્યા છે. UNHCRના કહેવા મુજબ જુલાઈ સુધીમાં શરણાર્થીઓની અંદાજિત સંખ્યા 4 મિલિયન સુધી પહોંચી શકે છે. યુરોપ માટે આ સૌથી મોટી રેફ્યુજી કટોકટી હોઈ શકે પરંતુ, 1971ના બાંગલાદેશ સ્વાતંત્ર્યયુદ્ધના કારણે અંદાજે 9.7 મિલિયન લોકો તત્કાલીન પૂર્વ પાકિસ્તાન છોડીને ભારતમાં આવી પહોંચ્યા હતા જેમાંથી મોટા ભાગના નિર્વાસિતો હિન્દુ હતા.

યુક્રેન સંઘર્ષના પગલે લગભગ 1 મિલિયન લોકોએ પોલેન્ડમાં શરણ માગ્યું હોવાના વોર્સોના આંકડા જાહેર કરાયા પછી યુએન હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ ફિલિપ્પો ગ્રાન્ડીએ યુરોપના સૌથી મોટા નિર્વાસિત સંકટની ચેતવણી આપતા કહ્યું હતું કે 10 દિવસમાં યુક્રેનના 1.7 મિલિયનથી વધુ શરણાર્થીઓ સરહદ પાર કરી પડોશના દેશોમાં પહોંચ્યા છે. દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી યુરોપમાં સૌથી મોટું શરણાર્થી સંકટ ઘેરાયું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ યુક્રેનમાં હેલ્થકેર સેવાઓ પર હુમલાના પરિણામે સંખ્યાબંધ મૃતકો અને ઈજાગ્રસ્તોથી માનવતાવાદી કટોકટી સર્જાવાની ચેતવણી આપી છે.

પોલીશ બોર્ડર ગાર્ડ્સના જણાવ્યા મુજબ રવિવારે સવારે વધુ 40,000 શરણાર્થીઓ સરહદે પહોંચ્યા હતા. યુક્રેનમાં ભારે બોંબમારાના કારણે 230,000થી વધુ નિર્વાસિતો નાસીને 2.3 મિલિયનની વસ્તી ધરાવતા ટચુકડા પડોશી દેશ મોલ્ડોવામાં આવી પહોંચ્યા હતા. મોલ્ડોવાના વડા પ્રધાન નટાલીઆ ગેવરિલિટાએ કહ્યું હતું કે તેમના દેશમાં દર 8માંથી 1 બાળક શરણાર્થી છે.

યુક્રેન સાથે સરહદ ધરાવતા દેશોમાં રોમાનિયાએ 227,446 જ્યારે અન્ય દેશ હંગેરીએ 140,000થી વધુ નિર્વાસિતોને શરણ આપ્યું છે. આશરે 50,000 શરણાર્થી ઝેક રિપબ્લિક પહોંચ્યા છે જ્યારે 70,000થી વધુ લોકોએ સ્લોવાકિયામાં શરણ લીધું છે. જર્મનીએ આશરે 30,000થી વધુ લોકોને આશરો આપ્યો છે. મોટા ભાગના શરણાર્થીઓ યુક્રેનવાસી છે પરંતુ, ઉઝબેકિસ્તાન, બેલારુસ, ભારત, નાઈજિરિયા, અલ્જિરિયા, મોરોક્કો અને યુએસના નાગરિકો પણ નાસીને પડોશી દેશોમાં પહોંચ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter