યુરોપમાં હીટવેવ, સ્પેનમાં ગરમીનો પારો 48 ડિગ્રીને પાર

ગ્રીસ, સ્પેન, સ્વિત્ઝર્લેન્ડ, તૂર્કીમાં ઠેર ઠેર દાવાનળ ફાટી નીકળતાં હજારો પ્રવાસીઓને પલાયન કરવાની ફરજ પડી, બ્રિટિશ ટુરિસ્ટોને જીવન માટે જોખમરૂપ હીટવેવની ચેતવણી અપાઇ

Tuesday 18th July 2023 13:34 EDT
 
 

લંડનઃ યુરોપમાં અસામાન્ય હીટ વેવને પગલે હજારો બ્રિટિશ ટુરિસ્ટને પલાયન કરવાની ફરજ પડી છે. ગ્રીસ, સ્વિત્ઝર્લેન્ડ અને સ્પેનમાં તાપમાનનો પારો 48 ડિગ્રી સેન્ટિગ્રેડને વટાવી જતાં ટુરિસ્ટ હોટસ્પોટ ગણાતા સંખ્યાબંધ સ્થળોએ દાવાનળ ફાટી નીકળતાં સ્થિતિ વધારે ગંભીર બની હતી. ભૂમધ્ય સમુદ્ર વિસ્તારમાં અસામાન્ય હીટવેવને કારણે દરિયા કિનારાના રિસોર્ટોમાં દાવાનળ ફાટી નીકળતાં હજારો પ્રવાસીઓને જીવ બચાવવા નાસી છૂટવાની ફરજ પડી હતી. શેરોન સાયક્લોન યુરોપ સાથે ટકરાયા બાદ સમગ્ર યુરોપમાં ગરમીનું તીવ્ર મોજું ફરી વળ્યું છે. ઇટાલીના ટાપુ સરદિનિયા ખાતે મંગળવારે તાપમાનનો પારો 48 ડિગ્રીને પાર કરી ગયો હતો.

ભૂમધ્ય સમુદ્ર વિસ્તારના પ્રવાસન સ્થળોની મુલાકાતે ગયેલા બ્રિટિશ ટુરિસ્ટને આકરી ગરમીના કારણે જીવન સામે ભય સર્જાય તેવી ચેતવણી જારી કરવામાં આવી છે. તૂર્કીમાં ગરમીનો પારો 46 ડિગ્રી અને દક્ષિણ સ્પેનમાં 44 ડિગ્રીને પાર કરી ગયો હતો. ગ્રીસમાં પણ સોમવારે ગરમીનો પારો 44 ડિગ્રી પર પહોંચ્યો હતો. વિશ્વ હવામાન સંસ્થાએ ચેતવણી આપી છે કે ગરમીનું મોજું છેક ઓગસ્ટ સુધી જારી રહે તેવી સંભાવના છે.

ભીષણ ગરમીના કારણે ગ્રીસ, સ્વિત્ઝર્લેન્ડ, સ્પેન, તૂર્કીના પ્રવાસન સ્થળોમાં દાવાનળ ફાટી નીકળતા હજારો પ્રવાસીઓને ખસેડાયાં હતાં. સ્વિત્ઝર્લેન્ડના વાઇસ ખાતે સંખ્યાબંધ પ્રવાસન ગામોમાં મકાનો દાવાનળમાં ખાક થઇ ગયાં હતાં. ગ્રીસની રાજધાની એથેન્સથી ફક્ત 30 માઇલ દૂરદાવાનળ ફાટી નીકળતાં દક્ષિણમાં દરિયા કિનારા પર આવેલા લાગોસિની, એન્વિસ્સોસ, સેરોનિડા જેવા રિસોર્ટ ખાલી કરાવવામાં આવ્યા હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter