લેંગ્લી ગ્રામર સ્કૂલમાં અભ્યાસ કરતી ૧૪ વર્ષની વિઅંકા શાહ સમગ્ર યુરોપના ૧૩થી ૧૬ વર્ષના વિદ્યાર્થીઅોને આકર્ષતી 'વોટ ડઝ અ યુનાઇટેડ યુરોપ મીન ટુ યુ' સ્પર્ધા માટે યુકેમાંથી વિજેતા થતા તેને તાજેતરમાં સ્ટડી ટૂર માટે બ્રસેલ્સ આવવા યુરોપિયન કમિશન્સ દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં ભાગ લેનાર જે તે વિદ્યાર્થીએ એક મિનિટનો વિડીયો બનાવવાનો હોય છે અને તેમાં સમાજ અને વ્યક્તિગત સ્તરેે યુરોપીયન યુનિયનમાં રહેવાના કયા ફાયદા છે તે જણાવવાનું હોય છે. આ સ્પર્ધા થકી યુવાનોના ઇયુ પરત્વે અને રાજકારણ માટેના અભિપ્રાય જાણવાની તક મળે છે.
વિઅંકા અને અન્ય દેશોના કુલ ૨૪ વિજેતાઅોને ૩ દિવસની સ્ટડી ટૂર માટે બ્રસેલ્સ બોલાવાયા હતા અને યુરોપીયન યુનિયનની બૃહદ નીતિઅો અને રોજબરોજના જીવનમાં યુરોપિયન કમિશનની મહત્વતા વિષે સમજ આપવામાં આવી હતી. આ સ્પર્ધા માટે યુકેમાંથી સૌથી વધુ વિદ્યાર્થીઅોએ ભાગ લીધો હતો અને માત્ર એક જ મિનીટમાં જ પોતાનો અભિપ્રાય આપવાનો હોવાથી હરિફાઇ સ્પર્ધાત્મક રહી હતી. વિઅંકા શાહ જાણીતા જીપી ડો. શીતલ શાહ અને ડો. ગૌરાંગ શાહના સુપુત્રી છે.