લંડન, બ્રસેલ્સઃ હિન્દુ ફોરમ ઓફ યુરોપ (HFE) દ્વારા ૧૬ નવેમ્બરે યુરોપિયન પાર્લામેન્ટમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. મિલેનિયમ યરમાં બ્રિટિશ પાર્લામેન્ટમાં ઉજવણી પછી સમગ્ર વિશ્વમાં દિવાળીની ઉજવણી થવા છતાં યુરોપિયન પાર્લામેન્ટમાં પ્રથમ પ્રસંગ છે. કાર્યક્રમના યજમાન યુરોપિયન પાર્લામેન્ટના બ્રિટિશ મેમ્બર નીના ગિલ હતાં. બ્રિટન, નેધરલેન્ડ્સ, સ્પેન, સ્વીડન, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, હંગેરી સ્વીટ્ઝર્લેન્ડથી હિન્દુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગ હિન્દુ-યુરોપીય કોમ્યુનિટીઓએ સાથે મળીને ઉજવ્યો હતો, જેમાં હંગેરિયન, સિંધી, પંજાબી, ગુજરાતી, સ્વિસ, ઈટાલિયન બાલિનિસ, સ્વીડિશ, સ્પેનિશ, શ્રી લંકન, અને તામિલ સમુદાયોનો સમાવેશ થયો હતો. ભારતીય રાજદૂત એમ. પુરી અને મોરેશિયસના રાજદૂત ડી. દિલુમ પણ હાજર રહ્યા હતા.
હિન્દુ ફોરમ ઓફ યુરોપના પ્રમુખ રાજ ભોન્ડોએ આ કાર્યક્રમને પાકિસ્તાનમાં લાપતા અને અમાનવીયતા અને અત્યાચારનો ભોગ બનેલી હજારો હિન્દુ બાળાઓને અર્પણ કર્યો હતો. HFEના સ્થાપક સભ્ય અને સેક્રેટરી મહાપ્રભુ દાસે સ્વપ્ન પૂર્ણ થયાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. ફ્રાન્સના બંગાળી નાગરિક કાકોલી સેનગુપ્તા, ઈટાલીના ગુજરાતી નાગરિક રશ્મિ ભટ્ટ, યુકેના તામિલ નાગરિક મીના રાજગોપાલને પોતાની કળાથી લોકોનું મનોરંજન કર્યું હતું.