યુરોપિયન પાર્લામેન્ટમાં હૃદયંગમ દૃશ્યો

Wednesday 05th February 2020 04:01 EST
 
 

બ્રસેલ્સ, લંડનઃ યુરોપિયન પાર્લામેન્ટે વિથ્ડ્રોઅલ એગ્રીમેન્ટને ૬૨૧ વિરુદ્ધ ૪૯ મતની ભારે બહુમતીથી બહાલી આપી તે પછી ૩૧ જાન્યુઆરીની રાત્રે યુકેનો ઈયુમાંથી બહાર નીકળવાનો માર્ગ મોકળો થયો હતો. બ્રસેલ્સની પાર્લામેન્ટમાં લાગણીસભર દૃશ્યો જોવા મળ્યાં હતાં અને સહુ સાંસદોએ આખરી કોરસમાં ‘Auld Lang Syne’ ગીત ગાયું હતું. આનાથી વિપરીત, બ્રેક્ઝિટ પાર્ટીના નેતા નાઈજેલ ફરાજ અને તેમના સાંસદોએ યુનિયન ફ્લેગ્સ લહેરાવી જાહેર કર્યું હતું કે હવે બ્રિટન કદી પાછું આવવાનું નથી. આ પછી યુરોપીય પાર્લામેન્ટના બ્રિટિશ સાંસદો માટે વિદાય સમારંભનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

ઈયુના મુખ્ય બ્રેક્ઝિટ વાટાઘાટકાર માઈકલ બર્નીએરે યુરોપીય પાર્લામેન્ટને જણાવ્યું હતું કે,‘આ નવા આરંભમાં હું યુકેને શુભેચ્છા પાઠવવા ઈચ્છું છું.’ તેમણે રેફરન્ડમનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે,‘આપણામાંથી ઘણાં તે નિર્ણયનો અફસોસ કરે છે. આપણે તે મતનો અફસોસ કરતા રહીશું, પણ અમે તેનો આદર કરીએ છીએ. બ્રેક્ઝિટ પછી પણ યુકે અર્થતંત્રમાં ગાઢ ભાગીદાર બની રહેશે. તે હંમેશાની માફક સાથી અને મિત્ર બની રહેશે.’

યુકેના ઈયુમાં રહેવાની તરફેણ કરતા યુરોપીય સાંસદો માટે વિથ્ડ્રોઅલ એગ્રીમેન્ટને બહાલી ગમગીનીપૂર્ણ બની રહી હતી. મતદાન પછી સાંસદોએ હાથમાં હાથ પરોવી કોરસમાં ‘Auld Lang Syne’ ગીત ગાયું હતું. કેટલાક સાંસદોએ ‘ઓલવેઝ યુનાઈટેડ’ લખાણ સાથેના યુનિયન જેકના ભૂરા અને લાલ રંગના સ્કાર્વ્ઝ પહેર્યા હતા અને લહેરાવ્યાં હતા. કેટલાક સાંસદો એકબીજાના ગળે વળગી રોતાં જોવાં પણ મળ્યા હતા.

યુરોપિયન પાર્લામેન્ટના પ્રેસિડેન્ટ ડેવિડ સાસોલીએ જણાવ્યું હતું કે યુકે ઈયુ છોડી રહ્યું છે તે જોઈ સાંસદો ભારે દુઃખી છે. તેમણે વિદાય લેતા યુકે સાંસદોને કહ્યું હતું કે,‘ ગત થોડા વર્ષોમાં તમે જે કાર્ય કર્યું છે તેની અમે કદર કરીએ છીએ. તમે યુરોપીય યુનિયન છોડી રહ્યા છો પરંતુ, તમે યુરોપનો એક હિસ્સો તો રહેશો જ.

પહેલી ફેબ્રુઆરીથી ૧૧ મહિનાનો ટ્રાન્ઝિશન પીરિયડ શરૂ થશે. આ ગાળા દરમિયાન યુકે ઈયુના નિયમોને અનુસરતું રહેશે અને નવી વેપારસંધિની વાટાઘાટો કરાશે. નવી સંધિમાં નાગરિકોના ભાવિ અધિકારો, નોર્ધર્ન આયર્લેન્ડ સરહદ પરની વ્યવસ્થા અને યુકેના ડાયવોર્સ બિલની પતાવટ મુખ્ય રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter