લંડનઃ બ્રસેલ્સ દ્વારા રવાન્ડા દેશનિકાલ યોજનાની નકલ કરાયા બાદ હવે બ્રિટનમાં પણ આ યોજનાને ફરીથી જીવંત કરી શકાય છે તેવો સંકેત વડાપ્રધાન એન્ડી બર્નહામે ગઈકાલે આપ્યો હતો. વડાપ્રધાને જણાવ્યું હતું કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને કિગાલી મોકલવા માટે પાંચ ઇયુ દેશો દ્વારા કરાયેલા કરારમાં તેઓ રસ ધરાવે છે.
ઉલ્લેખનીય છે કે, સર કેર સ્ટાર્મરે લેબર પાર્ટીની સરકારના પ્રથમ દિવસે જ કન્ઝર્વેટિવ પાર્ટીની આ મહત્વાકાંક્ષી આશ્રય નીતિને રદ કરી દીધી હતી. બ્રસેલ્સમાં બર્નહામે આ યોજના ફરી શરૂ કરવાનો સંકેત આપતા કહ્યું હતું કે, યુરોપમાં ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને ત્રીજા દેશમાં પરત મોકલવા અંગે જે ચર્ચાઓ ચાલી રહી છે અમે તેની વધુ નજીક જવા માંગીએ છીએ. યુરોપ આ મામલે ક્યાં સુધી પહોંચ્યું છે અને કયા સભ્ય દેશો આ વિકલ્પો પર આગળ વધી રહ્યા છે તે જાણવામાં અમને રસ છે, અને આ કરારના પરિણામે ખુલેલી તકોનો જ આ એક ભાગ છે.
બર્નહામે જણાવ્યું હતું કે, જે લોકો ગેરકાયદેસર ઇમિગ્રેશનને લઈને ચિંતિત છે, તેઓ આજે એ વાતથી રાહત અનુભવી શકે છે કે તેમની ચિંતાઓનું નિવારણ કરવામાં આવી રહ્યું છે.
શેડો હોમ સેક્રેટરી ક્રિસ ફિલ્પે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, આ બાબત સ્પષ્ટ કરે છે કે અગાઉની કન્ઝર્વેટિવ રવાન્ડા ભાગીદારીને રદ કરવી એ લેબર પાર્ટીની કેટલી મોટી ભૂલ હતી. જો તેમણે આ યોજનાને શરૂ થવા દીધી હોત તો તમામ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરી શકાયા હોત અને અત્યાર સુધીમાં બોટોની અવરજવર પણ બંધ થઈ ગઈ હોત.


