લંડનઃ બ્રિટન અને યુરોપિયન યુનિયન વચ્ચેના લાંબા ગાળાના સંબંધોને નવું રૂપ આપવા માટે સરકાર જે વિવિધ વિકલ્પો પર વિચાર કરી શકે છે, તેમાં EU માં ફરી જોડાવાનો વિકલ્પ પણ સામેલ છે તેવું એન્ડી બર્નહામે સૂચવ્યું છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે હાલની બ્રેક્ઝિટ વ્યવસ્થાથી લાભ કરતા નુકસાન વધુ થયું છે અને તેઓ બંને દેશો વચ્ચેના સંબંધોને સુધારવા માટે શું શક્ય છે તે ચકાસવા માંગે છે. તેઓ EU સાથેના સંબંધોના પ્રશ્નને અનિર્ણાયક રાખવા નથી માંગતા અને આગામી દાયકામાં બ્રિટન કઈ દિશામાં આગળ વધવા માંગે છે તે અંગે સ્પષ્ટતા ઇચ્છે છે.
વડાપ્રધાન એન્ડી બર્નહામે જણાવ્યું છે કે, લેબર પાર્ટી આગામી ચૂંટણીમાં યુરોપિયન યુનિયન સાથે ફરી જોડાણ કરવા જાહેરમાં મતદાન કરાવવાના વચન સાથે મેદાનમાં ઉતરી શકે છે. બ્રિટન અને ઇયુ વચ્ચેના સંબંધોની સમીક્ષાના ભાગરૂપે બીજા બ્રેક્ઝિટ જનમત યોજાય તેવી શક્યતા છે. યુરોપમાં યુકેની વર્તમાન સ્થિતિ પુરતી નથી અને તેઓ ઇયુમાં ફરીથી જોડાવું, કસ્ટમ્સ યુનિયનમાં પરત ફરવું તેમજ કેનેડા શૈલીના એસોસિએટ મેમ્બરશિપ જેવા તમામ વિકલ્પો પર વિચારણા કરશે. બર્નહામે સ્પષ્ટ કર્યું હતું કે તેમની યોજના તાત્કાલિક જનમત કરાવવાની નથી પરંતુ જો જનતાનો ઝુકાવ યુનિયનમાં પુનઃપ્રવેશ તરફ જણાશે તો તેઓ તેના પર ગંભીરતાથી વિચાર કરશે.
બર્નહામ જૂના ઘા તાજા કરી રહ્યા છે, પાછલા બારણે યુકેને ફરી બ્રસેલ્સ સાથે જોડી રહ્યા છેઃ વિપક્ષના આરોપ
જોકે, તેમના આ પગલાથી આગામી સામાન્ય ચૂંટણીમાં મોટો રાજકીય વિવાદ ઊભો થઈ શકે છે. કન્ઝર્વેટિવ પાર્ટીએ તેમના પર બ્રેક્ઝિટના જૂના વિવાદોને ફરીથી ઉઠાવીને જૂના ઘા તાજા કરવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટીના ડેપ્યુટી લીડર એલેક્સ બર્ગહાર્ટે જણાવ્યું હતું કે, લેબર પાર્ટી પોતાના ખોટા આર્થિક નિર્ણયોનો દોષ એક દાયકા પહેલા થયેલા મતદાન પર ઢોળી શકે નહીં. રિફોર્મ યુકેના ડેપ્યુટી લીડર રિચાર્ડ ટીસે આક્ષેપ કર્યો હતો કે, બર્નહામ ચોર દરવાજેથી યુકેને ફરી બ્રસેલ્સ સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગ્રીન પાર્ટીના નેતા ઝેક પોલન્સ્કીએ જણાવ્યું હતું કે, બ્રેક્ઝિટના કારણે યુકેની અર્થવ્યવસ્થા નબળી પડી છે તે સ્પષ્ટ છે પરંતુ વેપારમાં થયેલા નુકસાનને સરભર કરવા કસ્ટમ્સ યુનિયનમાં જોડાવું અને બાદમાં પૂર્ણ સભ્યપદ મેળવવું એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે.
વેલકમ ટુ યુરોપિયન યુનિયનઃ ફ્રાન્સ અને સ્પેનનો ખુલ્લો આવકાર
બર્નહામનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે યુરોપિયન નેતાઓ તેમને પૂર્ણ સભ્યપદ માટે દબાણ કરી રહ્યા છે. મેડ્રિડની મુલાકાત દરમિયાન ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને જણાવ્યું હતું કે આ એક સારો નિર્ણય બની રહેશે. જ્યારે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે કહ્યું હતું કે તેમનો દેશ ગ્રેટ બ્રિટનનું ખુલ્લા મને સ્વાગત કરશે.
યુકેના અડધાથી વધુ નાગરિકો ફરી યુરોપિયન સંઘ સાથે જોડાણની તરફેણમાં
એક નવા મેગાપોલ મુજબ, આગામી ચૂંટણી પછી યુરોપિયન યુનિયનમાં ફરી સામેલ થવાની એન્ડી બર્નહામની પ્રાથમિકતાને યુકેના લગભગ અડધા મતદારોનું સમર્થન ધી મેસિના ગ્રૂપ દ્વારા હાથ ધરાયેલા આ પોલ અનુસાર જો વડાપ્રધાન ફરી ઇયુમાં પ્રવેશ માટે ઝુંબેશ ચલાવે અને નવો રેફરન્ડમ યોજવાની ખાતરી આપે તો લેબર પાર્ટીના વોટ શેરમાં 7 ટકા સુધીનો વધારો થઈ શકે છે.


