યુરોપીય દેશો કરતાં યુકેમાં જેલની સજા આપવાનું સૌથી વધુ પ્રમાણઃ લોર્ડ ધોળકિયા

Wednesday 22nd September 2021 05:46 EDT
 
 

લંડનઃ હાઉસ ઓફ લોર્ડ્સમાં પોલીસ, ક્રાઈમ સેન્ટન્સિંગ એન્ડ કોર્ટ્સ બિલના બીજા વાંચનની ચર્ચામાં લિબરલ ડેમોક્રેટ્સના ડેપ્યુટી લીડર લોર્ડ નવનીત ધોળકિયાએ બિલની કેટલીક જોગવાઈઓને આવકાર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ચાર અથવા વધુ વર્ષની સજા ભોગવી ચૂકેલા ચોક્કસ અપરાધીઓને રીહેબિલેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ -અપરાધીઓના પુનર્વસન કાયદા હેઠળ લાવવા તેમજ ટુંકી સજાઓ ભોગવતા અપરાધીઓ માટે પુનર્વસન સમયગાળો ઘટાડવાના પગલાંની લાંબા સમયથી રાહ જોવાતી હતી. આ પગલાંથી વધુ સુધરેલા ગુનેગારોને તેમનો ભૂતકાળ ભૂલી રોજગાર પ્રાપ્ત કરવામાં અને કોમ્યુનિટીને રચનાત્મક યોગદાન આપવામાં મદદ મળશે.

લોર્ડ ધોળકિયાએ સખેદ સ્પષ્ટ કર્યું હતું કે બિલના કેટલાક પોઝિટિવ પગલાં સજાઓને વધુ કઠોર બનાવતી સંખ્યાબંધ જોગવાઈઓ હેઠળ દબાઈ ગયાં છે. વધુ અપરાધીએ લાંબી લઘુતમ સજા કાપવાની રહેશે. અપરાધી ૧૮ વર્ષની ઓછી વયનો હોય ત્યારે પણ હત્યા જેવાં ગુના માટે ડિટેન્શનની સજા ભોગવતા અપરાધી માટે સજાની લઘુતમ મુદત વધારાઈ છે. આજીવન સજાના કેદીએ લાંબી લઘુતમ સજા ભોગવવી પડે તેવી સજા કોર્ટ્સે આપવાની થશે. આના પરિણામે, કસ્ટડીમાં ભોગવવા પડે તેવાં ચોક્કસ હિંસક અને સેક્સ્યુઅલ ગુનાઓ માટે સજાનૂં પ્રમાણ વધી જશે. હાઈ રિસ્ક અપરાધીઓને પેરોલ પર મુક્ત કરતા પહેલા તેની સમીક્ષા માટે પેરોલ બોર્ડને મોકલવાની સત્તા પણ સેક્રેટરી ઓફ સ્ટેટને મળી રહી છે. તેમણે કહ્યું હતું કે આ દેશમાં સજાનું પ્રમાણ સતત વધી રહ્યું હતું તેવા બે દસકા પછી આ બધા સુધારા બિલમાં મૂકાયા છે.

ગૃહનું ધ્યાન દોરતા લોર્ડ ધોળકિયાએ કહ્યું હતું કે આ બિલના કારણે પુનર્વસન સેવાઓમાં ઘટાડો થશે જેનાથી અપરાધીઓ દ્વારા અસ્થિરતા, પોતાને જ નુકસાન પહોંચાડવા અને હિંસા વધવાનું જોખમ વધી જશે. જેલમુક્તિ પછી ફરી અપરાધો ન કરે તે માટે કેદીઓને પુનર્વસન સપોર્ટ પુરા પાડવાનું જેલો માટે મુશ્કેલ બની રહ્યું છે.

લોર્ડ ધોળકિયાએ જણાવ્યું હતું કે અન્ય દેશોની સરખામણીએ યુકેમાં જેલની સજાનું પ્રમાણ વધી રહ્યું છે અને પશ્ચિમ યુરોપમાં સૌથી વધુ જેલની સજાનો દર યુકેનો છે. કસ્ટડીના વધુપડતા ઉપયોગથી આપણી મોટા ભાગની જેલ ભરચક રહે છે, હાલ ૧૨૧માંથી ૮૦ જેલમાં સામાન્ય કેદીની ક્ષમતા કરતાં પણ વધુ કેદીઓ છે. આ બિલની જોગવાઈઓ કાયદો બને તે પહેલા જ આગામી પાંચ વર્ષમાં જેલની વસ્તીમાં ૨૫ ટકાનો વધારો થવાનો અંદાજ છે. લોર્ડ ધોળકિયાએ ચર્ચાને સમાપ્ત કરતા કહ્યું હતું કે જો બિલ હાઉસ દ્વારા પસાર કરી લેવાશે તો સજાની જોગવાઈઓને કાળજીપૂર્વકની ચકાસણી હેઠળ રખાશે જેથી વધુ અપરાધીઓને અક્ષમ બનાવી જાહેર સલામતીના મળનારા લાભ સામે જેલમાંથી મુક્ત કરાતા અપરાધીઓના પુનર્વસનની તકોને જેલની સતત વધતી વસ્તીના દબાણો હેઠળ ગંભીર નુકસાન પહોંચવું ન જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter