લંડન: ૨૧ વર્ષીય યુવકે સોશિયલ મીડિયા પર યુવતીનું ખોટું આઈડી બનાવી એક શિક્ષકને બ્લેકમેલ કર્યા હતા. આરોપીએ શિક્ષકનો આપત્તિજનક વીડિયો તેમના જ વિદ્યાર્થીઓને મોકલી આપ્યો હતો, જેના કારણે ગ્લાનીમાં આવી ગયેલા શિક્ષકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. કોર્ટે આ કૃત્યને 'દુષ્ટ વર્તન' ગણાવી આરોપીને જેલની સજા ફટકારી છે.
ડર્બીશાયરના રહેવાસી મુઆવિયા અમીને ઇન્સ્ટાગ્રામ પર યુવતી બનીને એક શિક્ષક સાથે મિત્રતા કરી હતી. વાતચીત દરમિયાન શિક્ષકે પોતાના કાર્યસ્થળ પરનો એક આપત્તિજનક વીડિયો મોકલ્યો હતો. આ વીડિયો મળતા જ અમીને અસલી રંગ બતાવ્યો અને વીડિયો વાયરલ ન કરવા માટે 1,000 પાઉન્ડની માંગણી કરી હતી. બદનામીના ડરથી શિક્ષકે આરોપીને 400 પાઉન્ડ ચૂકવી દીધા હતા અને તે જ દિવસે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. જોકે, પૈસા લીધા હોવા છતાં આરોપી અમીને તે વીડિયો શિક્ષકના વિદ્યાર્થીઓને મોકલી આપ્યો હતો. વીડિયો વાયરલ થતાં શિક્ષકને તાત્કાલિક નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. પોતાની સામાજિક પ્રતિષ્ઠા અને કારકિર્દી ખતમ થતા જોઈ શિક્ષકે તે જ રાત્રે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સમયસર કોઈનો સંપર્ક થતા તેમનો બચાવ થયો હતો.
ડર્બી ક્રાઉન કોર્ટના જજ શાન સ્મિથ કેસીએ આરોપી મુઆવિયા અમીનને ૧૫ મહિનાની જેલની સજા ફટકારી છે. જજે ફટકારેલા ઠપકામાં જણાવ્યું હતું કે, પૈસા મળ્યા પછી પણ તમે વીડિયો વાયરલ કર્યો તે અત્યંત ગંભીર ગુનો છે. તમે જાણતા હતા કે તમે શું કરી રહ્યા છો અને તમે તમારા દુષ્ટ ઈરાદામાં સફળ થયા.


