લંડન
બ્રિટન સદીઓથી ચ્હાને ચાહનારાઓનો દેશ છે. બ્રિટિશરોમાં ચ્હાની સાથે બોરબોન બિસ્કિટ લોકપ્રિય બ્રેકફાસ્ટ ગણાતો હતો પરંતુ હવે આ ટ્રેન્ડમાં પરિવર્તન આવી રહ્યું છે. યુવા બ્રિટિશરોને ચ્હાની સાથે બિસ્કિટને સ્થાને ભારતીય સમોસા ખાવા વધુ પસંદ છે. યુવા બ્રિટિશરો ચ્હા – બિસ્કિટની પરંપરાગત ટેવ છોડી રહ્યાં હોવાથી યુકેમાં બિસ્કિટના વેચાણમાં ઘટાડાનું જોખમ સર્જાયું છે.
એક સરવે અનુસાર બ્રિટનમાં હવે 10માંથી ફક્ત 4 લોકો ચ્હાની સાથે બિસ્કિટ ખાવાનું પસંદ કરે છે. જ્યારે પાંચમાંથી એક બ્રિટિશર ચ્હાની સાથે ફળ ખાવાનું પસંદ કરે છે. તેની સામે 18થી 29 વર્ષના બ્રિટિશરોમાં ચ્હાની સાથે ગ્રેનોલા બાર અને સમોસા ઘણા લોકપ્રિય છે. 65 વર્ષથી વધુ વયના કોઇ ચ્હાની સાથે સમોસા ખાવાનું પસંદ કરતા નથી.
ડો. શેરોન હોલ કહે છે કે ગ્રેનોલા બાર ખાવાથી લોકોને કંઇક પોષણક્ષમ ખોરાક લીધો હોવાનો સંતોષ થાય છે. તેને ખાવાથી ભૂખ સંતોષાઇ હોવાનો અનુભવ થાય છે. ચ્હાની સાથે સમોસા ખાવાથી પણ આવો જ અનુભવ થાય છે. યુવા બ્રિટિશરોને હવે સ્પાઇસી ફ્લેવર વધુ પસંદ આવી રહી છે.


