યે દોસ્તી.......હમ નહીં છોડેંગે....તોડેંગે દમ મગર, તેરા સાથ ના છોડેંગે

કાશીબેન અને કમુબેન પટેલની દોસ્તીનો પ્રારંભ 70 વર્ષ પહેલાં ભારતથી થયો હતો

Tuesday 12th September 2023 12:17 EDT
 
 

લંડનઃ વિશ્વમાં આપણે આપણા માતા-પિતા, ભાઇ-બહેન, સગાંની પસંદગી જાતે કરી શક્તાં નથી પરંતુ મિત્રોના મામલામાં આપણને આ સ્વતંત્રતા પ્રાપ્ત થયેલી છે. મિત્રતા કેટલી લાંબી ટકી રહેશે તેનો આધાર મિત્રની પસંદગી પર છે. કાશીબેન પટેલ અને કમુબેન પટેલની મિત્રતા પણ શોલેના જય અને વીરૂની મિત્રતા જેવી છે. બંનેની મિત્રતાનો પ્રારંભ 70 કરતાં વધુ વર્ષ પહેલાં ભારતથી શરૂ થઇ હતી. 1950ના દાયકામાં બંને યુકે આવ્યાં ત્યારે પણ 25 વર્ષ સુધી બર્મિંગહામમાં થોડા જ અંતરે રહેતાં હતાં. આ દરમિયાન તેમની મિત્રતાની સાથે તેમના પતિઓ વચ્ચેની મિત્રતા પણ ગાઢ બની હતી. ત્યારબાદ તેઓ લેસ્ટરમાં સ્થાયી થયાં હતાં. 2021થી બંને બેલગ્રેવના સેન્ચ્યુરી કેર હોમમાં સાથે રહે છે.

88 વર્ષના કાશીબેન કહે છે કે ભારતમાં અમે નજીકના ગામોમાં રહેતાં અને પહેલીવાર એક મંદિરમાં મળ્યાં હતાં. ત્યારપછી અમે નિયમિત રીતે મળતાં રહેતાં. 89 વર્ષીય કમુબેન કહે છે કે હું જહાજ દ્વારા 3 સપ્તાહ કરતાં વધુ લાંબી મુસાફરી કરીને યુકે પહોંચી હતી.

યુકે પહોંચ્યા પછી પણ બંનેની મિત્રતામાં કોઇ ઘટાડો થયો નહોતો. ઉલટાનું એક જ વતનના હોવાના કારણે તેમની મિત્રતા વધુ ગાઢ બની હતી. બંને સાથે મળીને એકબીજાના જન્મદિવસ ઉજવતા અને યુરોપના દેશોની ટૂર પણ કરતાં.

કાશીબેન કહે છે કે અમારી મિત્રતા ઘણી રીતે આગળ વધી હતી. હવે અમે બંને એક જ કેર હોમમાં સાથે રહીએ છીએ. અમે એકબીજાની સાથે જ દિવસો વીતાવીએ છીએ. સાથે જમીએ છીએ અને હરીએ ફરીએ છીએ. અમે જીવનના ઘણા પ્રસંગો સાથે વીતાવ્યા છે. અમે દરેક પ્રકારના સંજોગોમાં એકબીજાની સાથે રહ્યાં છીએ. કમુબેન કહે છે કે, અમે અમારી મિત્રતામાં ઘણા ચડાવ અને ઉતાર પણ જોયાં છે. અમે એકબીજાના મતભેદોને સ્વીકાર્યાં છે અને પડકારોનો સામનો કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter