લંડન
યોગ મૂળભૂત રીતે ભારતીય સંસ્કૃતિ અને ધર્મનું આધ્યાત્મિક શિસ્ત છે. હજારો વર્ષ પૂર્વે પૌરાણિક ભારતમાં તેનો ઉદ્દભવ થયો હતો. પરંતુ આજના આધુનિક યુગમાં પશ્ચિમના જગતે યોગનું વ્યાપારિકરણ કરી નાખ્યું છે. યોગ આજે અબજો પાઉન્ડની ઇન્ડસ્ટ્રી બની ગયો છે. ઘણા સેલિબ્રિટી નિયમિત રીતે યોગ કરે છે પરંતુ તેનું મૂળ તત્વ ગાયબ થઇ ગયું છે. હવે ભારતમાં યોગના સમર્થકો પશ્ચિમના દેશોમાં યોગના થઇ રહેલા દુરુપયોગ સામે અવાજ ઉઠાવી રહ્યાં છે.
ગોવામાં યોગ ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કરતા વિક્રમજિત સિંહ કહે છે કે પાતળી ગોરી મહિલાઓનો ઉપયોગ કરીને યોગનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. યોગનું મૂળ તત્વ જ ગાયબ થઇ ગયું છે. મારી પોતાની જ સંસ્કૃતિને અલગ અલગ સ્વરૂપે રેપેકેજિંગ કરીને વેચવામાં આવી રહી હોય તેમ લાગી રહ્યું છે. પશ્ચિમમાં યોગ ફક્ત એક વર્કઆઉટ સેશન બની ગયો છે.
યુકેમાં યોગ શીખવતા નિકિતા દેસાઇ કહે છે કે યોગને પણ કોલોનાઇઝ્ડ કરી નાખવામાં આવ્યો છે. તેમાં રહેલા આધ્યાત્મિકતાના મૂળ તત્વોને વિસારી દેવાયાં છે. યુકેમાં યોગનું ઓનલાઇન શિક્ષણ આપતા કેટ મેફન કહે છે કે 2014માં હું યોગ શીખતી હતી ત્યારે મને તેના આધ્યાત્મિક પાસા શીખવવામાં આવ્યા નહોતાં. જો આપણે યોગના મૂળભૂત સિદ્ધાંતોની જ અવગણના કરતા હોઇએ તો આપણે પોતાને સવાલ કરવાની જરૂર છે કે આપણે શું કરી રહ્યાં છીએ.


