લંડનઃ વૈશ્વિક હિન્દુ સંપ્રદાયના પ્રમુખના યુકે સ્થિત ચેરિટીના નિયંત્રણ અંગેના અધિકારો છિનવી લેવાના પ્રયાસ પર અદાલતે રોક લગાવી છે. ભારતમાં મુખ્યમથક ધરાવતી યોગી ડિવાઇન સોસાયટીના આધ્યાત્મિક આગેવાન હરીપ્રસાદ સ્વામીનું વર્ષ 2021માં નિધન થયું ત્યારબાદ સોસાયટીના આગેવાન તરીકેના વારસા પર વિવાદ સર્જાયો હતો. હરીપ્રસાદ સ્વામીના વારસા માટે હિન્દુ સાધુઓ પ્રેમ સ્વામી અને પ્રબોધ સ્વામી દ્વારા દાવા કરાતા સંપ્રદાય બે છાવણીમાં વહેંચાઇ ગયો હતો. જેના પગલે 1990માં સ્થપાયેલી ચેરિટી યોગી ડિવાઇન સોસાયટી પર નિયંત્રણ મુદ્દે પણ વિવાદ સર્જાયો હતો. નવેમ્બર 2021માં પ્રેમ સ્વામીની સોસાયટીના ભારત સ્થિત પ્રમુખ તરીકે વરણી થઇ હતી. જોકે યુકે સ્થિત ચેરિટીના ટ્રસ્ટીઓએ પ્રબોધ સ્વામીને સમર્થનનો નિર્ણય કર્યો હતો.
હાઇકોર્ટના જસ્ટિસ ગ્લીસને ચુકાદામાં જણાવ્યું હતું કે, પ્રબોધ સ્વામીના સમર્થક ટ્રસ્ટીઓ પ્રેમ સ્વામીને સમર્થન આપનારાને ગેરમાર્ગે દોરવાના કાવતરામાં સામેલ હતા. એ વાતમાં કોઇ શંકા નથી કે આ કૃત્ય ચેરિટીના બંધારણ અનુસાર નહોતું. તેમણે ચેરિટીના ટ્રસ્ટી તરીકેની ફરજો પણ યોગ્ય રીતે નિભાવી નહોતી. પ્રેમ સ્વામીની સત્તા છિનવી લેવાના હેતૂસર ચેરિટીના 2013ના બંધારણમાં સૂચવાયેલા સુધારા ગેરકાયદેસર છે. વર્ષ 2021ની બેઠકમાં મંજૂર કરાયેલા સુધારા ક્યારેય અમલી બનાવાયા જ નથી.


