યોર્કની મુલાકાત દરમિયાન કિંગ ચાર્લ્સ અને ક્વીન કોન્સોર્ટ પર ઇંડા ફેંકાયા

પોલીસે ડાબેરી વિચારધારા ધરાવતા બળવાખોર એક્ટિવિસ્ટની ધરપકડ કરી

Wednesday 16th November 2022 04:57 EST
 
 

લંડન

કિંગ ચાર્લ્સ તૃતિય અને ક્વીન કોન્સોર્ટ કેમિલા બુધવારે યોર્ક શહેરની મુલાકાત દરમિયાન જાહેર જનતાનું અભિવાદન ઝિલી રહ્યાં હતાં ત્યારે તેમના પર ઇંડા ફેંકવામાં આવ્યાં હતાં. જોકે હુમલાખોર નિશાન ચૂકી ગયો હતો. કિંગ અને ક્વીન કોન્સોર્ટને શહેરના આગેવાનો આવકારી રહ્યાં હતાં ત્યારે સડક કિનારે એકઠી થયેલી ભીડમાંથી કિંગ ચાર્લ્સ પર 3 ઇંડાનો પ્રહાર કરાયો હતો. જોકે તેનાથી કિંગને કોઇ નુકસાન થયું નહોતું. કિંગે જમીન પર પડેલા તૂટેલા ઇંડા તરફ જરા નજર કરી હતી પરંતુ તેઓ આ પ્રકારના હુમલાથી જરાપણ વિચલિત થયા નહોતા. પોલીસે ભીડમાંથી તાત્કાલિક પેટ્રિક થેલવેલ નામના શખ્સની ધરપકડ કરી હતી. તેણે નારા લગાવ્યા હતા કે આ દેશનું નિર્માણ ગુલામોના લોહી પર કરાયું છે. બીજીતરફ લોકોએ ગોડ સેવ ધ કિંગના નારા લગાવ્યા હતા.

પોલીસ દ્વારા ધરપકડ કરાયલો આરોપી બળવાખોર એક્ટિવિસ્ટ છે અને એકવાર ગ્રીન પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂક્યો છે. થેલવેલ લાંબાસમયથી ડાબેરી વિચારધારાને વરેલો છે. 2015માં તેણે ટોરી સાંસદ એસ્થર મેકવેના રાજીનામા માટે અભિયાન ચલાવ્યું હતું. તેણે અગાઉ તેના બ્લોગમાં જણાવ્યું હતું કે, મહારાણીના નિધન બાદ રાજગાદી પર બેસનાર રાજા સામે હું નમીશ નહીં.

થેલવેલ આ અગાઉ લંડન બ્રિજ અને અખબારોની કચેરીઓ તરફ જતા રસ્તાઓના ચક્કાજામમાં પણ જોડાયો હતો. તત્કાલિન પીએમ બોરિસ જ્હોન્સને આ દેખાવોને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter