લંડન
લોર્ડ કમલેશ પટેલે યોર્કશાયર ક્લબના પ્રમુખપદેથી રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો છે. ક્લબની આગામી વાર્ષિક મહાસભામાં તેની જાહેરાત કરાશે. નવેમ્બર 2021માં લોર્ડ પટેલ યોર્કશાયરમાં જોડાયા હતા. તેમના કાર્યકાળમાં ક્લબની કામગીરીમાં ઘણા સુધારા થયા જેના કારણે હેડિંગ્લેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઇ શકી હતી. ક્લબ સ્ટેટમેન્ટમાં લોર્ડ પટેલે જણાવ્યું હતું કે, આવા પ્રતિષ્ઠિત સંસ્થાન માટે કામ કરવાની તક મળી તેથી ઘણું ગૌરવ અનુભવી રહ્યો છું. મેં હવે પ્રમુખપદેથી રાજીનામુ આપવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે અને આગામી વાર્ષિક સભામાં તેની જાહેરાત કરીશ. જેથી નવા પ્રમુખના નેતૃત્વમાં ક્લબ સુધારાની મહત્વની મુસાફરી ચાલુ રાખી શકે.
તેમણે જણાવ્યું હતું કે, હેડિંગ્લે ખાતે બોર્ડ દ્વારા દાખલ કરાયેલા સુધારાને સમર્થન આપનારા તમામ સભ્યોનો હું આભારી છું. યોર્કશાયરના ઇતિહાસમાં સુધારાના સમયગાળામાં અથાક પરિશ્રમ કરનારા બોર્ડના સભ્યો અને કર્મચારોનો હું આભાર માનું છું. હજુ ક્લબ માટે ઘણુ કરવાનું બાકી છે અને મને વિશ્વાસ છે કે યોર્કશાયર લાંબાગાળા માટે ઇંગ્લિશ ક્રિકેટના ટોચ પર બિરાજમાન થશે.


