યોર્કશાયરમાંથી મળેલું પગલાંનું અશ્મિ મહાકાય ડાયનોસોરનું હોવાનું તારણ

જુરાસિક યુગમાં મહાકાય ડાયનોસોર બ્રિટનને ઘમરોળતાં હશે - નિષ્ણાતો

Tuesday 21st February 2023 13:56 EST
 
 

લંડન

યુકેના યોર્કશાયરની એક કાઉન્ટીમાં મળી આવેલા પગલાંના નિશાન મેગાલોસૌરસ જેવા મહાકાય ડાયનોસોરના હોવાનું તારણ વૈજ્ઞાનિકો દ્વારા અપાયું છે. યોર્કશાયરની કાઉન્ટીમાંથી મળી આવેલા મહાકાય પગલાંના નિશાને સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકોમાં ભારે કુતૂહલ પેદા કર્યું હતું. પગલાંના નિશાનના અભ્યાસ બાદ વૈજ્ઞાનિકોએ તારણ આપ્યું છે કે 3.3 ફૂટનું આ પગલું મહાકાય મેગાલોસૌરસ ડાયનોસોરનું હોઇ શકે છે. આ નિશાન યુકેના ડાયનોસોર કોસ્ટ તરીકે જાણીતા સ્કારબોરો શહેર નજીકના બર્નિસ્ટોન બે ખાતે મળી આવ્યું હતું. આ વિસ્તારમાંથી મળી આવેલું આ પગલાંનું નિશાન તેના પ્રકારનું સૌથી મોટું નિશાન ગણાય છે. જાહેરજનતા જોઇ શકે તે માટે તેને શહેરના રોટુંડા મ્યુઝિયમ ખાતે રખાશે.

અખબારી અહેવાલ પ્રમાણે પગલાંનું આ નિશાન એપ્રિલ 2021માં સ્થાનિક સંશોધક મેરી વૂડ્સે શોધી કાઢ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તે સમયે હું માની શક્તી નહોતી કે હું શું જોઇ રહી છું. સ્થાનિક નિષ્ણાતોને પણ આ અંગે કોઇ જાણકારી નહોતી તેથી મેં માન્ચેસ્ટર યુનિવર્સિટીના નિષ્ણાતનો સંપર્ક કર્યો હતો અને બંનેએ સાથે મળીને આ પગલા અંગે અભ્યાસ હાથ ધર્યો હતો જે તાજેતરમાં પ્રસિદ્ધ કરાયો છે. તેમણે જણાવ્યું હતું કે, આ સંશોધનથી પૂરવાર થયું છે કે જુરાસિક યુગમાં આ વિસ્તારને મહાકાય ડાયનોસોર ઘમરોળતાં હશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter