યૌનશોષણ કેસમાં પૂર્વ સાંસદ ઈમરાન અહમદને કેદ

Wednesday 25th May 2022 06:04 EDT
 
 

લંડનઃ વેસ્ટ યોર્કશાયરના વેકફિલ્ડ મતક્ષેત્રના 48 વર્ષીય પૂર્વ કન્ઝર્વેટિવ સાંસદ ઈમરાન અહમદ ખાનને સધર્ક ક્રાઉન કોર્ટની ટ્રાયલમાં દોષિત ઠરાવાયા પછી 18 મહિના માટે જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. ખાને વર્ષ 2008માં એક તરૂણને આલ્કોહોલ પીવડાવ્યા પછી તેનું યૌનશોષણ કર્યું હતું. સેક્સ્યુઅલ હુમલાનો ઈનકાર કરી રહેલા ખાન આ સજા સામે અપીલ કરશે તેમ વકીલોએ જણાવ્યું હતું.
ગયા મહિનાની ટ્રાયલમાં ઈમરાન અહમદ ખાને જાન્યુઆરી 2008માં તેમના સ્ટેફોર્ડશાયરના નિવાસે પાર્ટીમાં 15 વર્ષના ટીનેજરને જિન અને ટોનિક પીવાની ફરજ પાડ્યા પછી અશ્લીલ સાહિત્ય નિહાળવા કહ્યું હતું.
આ પછી તેના પર સેક્સ્યુલ હુમલો કર્યો હોવાની જ્યૂરી સમક્ષ રજૂઆત થઈ હતી. હાલ 29 વર્ષના વિક્ટીમે જણાવ્યું હતું કે ખાને તેનો સ્પર્શ કરતા તેને ભારે આઘાત અને આશ્ચર્ય થયા હતા. તેને ભય લાગ્યો હતો.
સધર્ક ક્રાઉન કોર્ટના મિ. જસ્ટિસ બેકરે ખાનને 18 મહિના કેદની સજા સંભળાવતા કહ્યું હતું કે આરોપીએ કોઈ પશ્ચાતાપ દર્શાવ્યો નથી. તેમણે ઉમેર્યું હતું કે,‘તમને એક માત્ર પસ્તાવો એ થાય છે કે 14 વર્ષ પહેલાના તમારા કાર્યનું પરિણામ સામે આવી રહ્યું છે તેની મૂંઝવણ અનુભવાય છે.’
આ ટ્રાયલ પછી કન્ઝર્વેટિવ પાર્ટીએ ખાનની હકાલપટ્ટી કરી હતી અને તેમણે પાર્લામેન્ટમાંથી રાજીનામું આપ્યું હતું જેના પરિણામે, વેસ્ટ યોર્કશાયરના વેકફિલ્ડ સંસદીય મતક્ષેત્ર માટે પેટાચૂંટણી કરવાની થઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter