માન્ચેસ્ટરઃ ગ્રેટર માન્ચેસ્ટરના રોચડેલમાં આઠ સગીર છોકરીઓ અને સ્ત્રીઓના યૌનશોષણ, બળાત્કાર અપહરણના પ્રયાસ સહિતના ગુનામાં નવ અપરાધીને માન્ચેસ્ટર મિન્શુલ સ્ટ્રીટ ક્રાઉન કોર્ટ દ્વારા કુલ ૧૨૫થી વધુ માટે જેલની સજા ફરમાવાઈ છે. દસમા અપરાધી માહફુઝ રહેમાનને અગાઉ સપ્ટેમ્બર મહિનામાં સાડા પાંચ વર્ષની કારાવાસની સજા કરાઈ હતી. એક અપરાધી ચૌધરી ઈખલાક હુસૈન ટ્રાયલ દરમિયાન પાકિસ્તાન નાસી ગયો હતો. અપરાધીઓએ ૨૦૦૫થી ૨૦૧૦ના ગાળામાં ૧૩થી ૨૨ વર્ષ સુધીની પીડિતાઓનું શોષણ કર્યું હતું. અગાઉ, ૨૦૧૨માં મુખ્યત્વે પાકિસ્તાની મૂળના અનેક પુરુષ અપરાધીને વ્હાઈટ છોકરીઓને લલચાવવા અને યૌનશોષણ બદલ સજા થયા પછી આ કેસની મુખ્ય પીડિતા ફરિયાદ કરવા આગળ આવી હતી. આ યુવતીએ કુલ ૧૫ સપ્તાહ ચાલેલી બે અલગ ટ્રાયલમાં જુબાની આપી હતી.
મુખ્ય પીડિતા લર્નિંગ ડિસેબિલિટીથી પીડાતી હતી અને તેનું ઘરેલુ જીવન ઘણ ખરાબ હોવા સાથે તે અતિ અસુરક્ષિત યુવતી હોવાનું કોર્ટ સમક્ષ જણાવાયું હતું. તેણે કહ્યું હતું કે તેની વય ૧૪થી ૧૮ વચ્ચેની હતી ત્યારે સેંકડો લોકો સેક્સની માગણી સાથે તેને કોલ્સ કરતા હતા. આ પુરુષો સંગઠિત ગેન્ગનો ભાગ હતા કે તેઓ એકબીજાને જાણતા હોવા અંગે કોઈ પુરાવા કોર્ટમાં રજૂ કરાયા ન હતા. કેટલાક અપરાધીઓ તેમના શિકાર પર નિયંત્રણ મેળવવા આલ્કોહોલ કે ડ્રગ્સ આપતા હતા તેમજ સેક્સ માટે મારપીટનો ઉપયોગ કરતા હોવાનું પણ કોર્ટમાં જણાવાયું હતું.
અપરાધીઓ અફરાઝ અહેમદ (૨૫ વર્ષ જેલ), ચૌધરી ઈખલાક હુસૈન (૧૯ વર્ષ જેલ), કુતુબ મિયા (૯ વર્ષ જેલ), માહફુઝ રહેમાન (સાડા પાંચ વર્ષ જેલ), મોહમ્મદ દાઉદ (૧૬ વર્ષ જેલ), રેહાન અલી (૭ વર્ષ જેલ), મોહમ્મદ ઝાહિદ (પાંચ વર્ષ જેલ), આબિદ ખાન (સાડા છ વર્ષ જેલ), ડેવિડ લો (૧૧ વર્ષ જેલ) અને અનામી વ્યક્તિ (૨૩ વર્ષ જેલ)ને સજા કરાઈ હતી.


