લંડનઃ બળાત્કાર અને સેક્સ્યુઅલ અસૉલ્ટ જેવા અપરાધોમાં દોષી ઠરેલા અપરાધીઓએ પોલીસને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને ડેટિંગ એપ્સ અંગેની માહિતી આપવી પડશે. જો તેઓ તેમ નહીં કરે તો પાંચ વર્ષ જેલની સજા થઇ શકે છે.
હોમ સેક્રેટરી શબાના માહમૂદ દ્વારા આ જાહેરાત કરાઇ હતી. વેબસાઇટ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને મહિલાઓને નિશાન બનાવવાની પ્રવૃત્તિ પર લગામ કસવા આ પગલું લેવાયું છે. માહમૂદે જણાવ્યું હતું કે, ઓનલાઇન એબ્યુઝર્સને ઝડપી લેવા માટે સરકાર તેની સત્તાઓનો મહત્તમ ઉપયોગ કરશે.
માર્ચ 2024 સુધીના આંકડા જોઇએ તો ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 70,052 રજિસ્ટર્ડ સેક્સ ઓફેન્ડર્સ છે. નેશનલ ક્રાઇમ એજન્સી અનુસાર સેક્સ્યુઅલ અપરાધનો ભોગ બનનારી દર પાંચ પીડિતામાંથી એકને અજાણી વ્યક્તિ દ્વારા ઓનલાઇન ટાર્ગેટ કરાતી હોય છે. આ પહેલાં પોલીસ પાસે ઓનલાઇન સેક્સ ઓફેન્ડર્સની ગતિવિધિઓ જાણવા માટે કોઇ વ્યવસ્થા નહોતી.

