રણજિતસિંહ બોપારનની હલાલ ચિકન ફર્મ વિવાદના ઘેરામાં

Wednesday 04th January 2017 05:16 EST
 
 

લંડનઃ દેશના મોરિસન્સ, આસ્ડા, ટેસ્કો અને સેઈન્સબરી સહિતના સુપરમાર્કેટ્સમાં પુરવઠો પૂરો પાડતી હલાલ ચિકન ફર્મ 1Stop Halal વિવાદમાં ઘેરાઈ છે. સફોકના આઈ ખાતે આવેલી હલાલ ચિકન ફર્મમાં કામદારોના ઝગડા પછી ખામીગ્રસ્ત ઈક્વિપમેન્ટના કારણે ચાર મહિનાના ગાળામાં બે અલગ ઘટનામાં કુલ ૮૧ પક્ષીનાં ઉકળતા પાણીમાં ખરાબ હાલતમાં મોત થયાં છે. આના પરિણામે ફર્મના ‘ચિકન કિંગ’ તરીકે પ્રસિદ્ધ માલિક રણજિતસિંહ બોપારનને ૮,૦૦૦ પાઉન્ડના દંડ ઉપરાંત, ૬,૦૦૦ પાઉન્ડ કોસ્ટ તરીકે ચુકવવા આદેશ કરાયો હતો. જોકે, બોપારા આ ફર્મના દેનિક કાર્ય સાથે સીધા સંકળાયેલા નથી.

હલાલ પદ્ધતિમાં પશુ-પક્ષીના ગળાં કાપતા પહેલા તેમને પીડા ના થાય તે રીતે બહેરાં કરી દેવાય છે. 1Stop Halalના આ પ્લાન્ટમાં પક્ષીઓને બહેરાં બનાવવા ઈલેક્ટ્રિકથી ચાર્જ કરેલા પાણીનો ઉપયોગ કરાય છે. જોકે, આ સાધનમાં ખામી અને બે કસાઈ વચ્ચે કટિંગ ક્વોલિટી વિશેના ઝગડામાં પક્ષીઓ બેભાન થયાં ન હતા અને ઉકળતાં પાણીમાં બે મિનિટ સુધી તરફડ્યાં હતાં. પ્લાન્ટની પ્રોડક્શન લાઈન દિવસમાં ૬૦,૦૦૦થી ૧૦૦,૦૦૦ ચિકનની પ્રોસેસ કરે છે. હલાલ થયા વિનાની ચિકન્સ વેચાણ માટે મોકલાઈ ન હોવાની સ્પષ્ટતા કંપની અને સુપરમાર્કેટ્સ દ્વારા કરાઈ હતી.

ચિકન કિંગ તરીકે પ્રસિદ્ધ બ્રિટિશ બિઝનેસમેન રણજિત સિંહ બોપારનનો જન્મ ઓગસ્ટ ૧૯૬૬માં વેસ્ટ મિડલેન્ડ્સના બિલ્સટન ખાતે થયો હતો. બોપારાએ ૧૬ વર્ષની વયે સ્કૂલ છોડી દીધી અને બૂચર્સ શોપમાં નોકરી શરુ કરી હતી.

તેમણે પત્ની બલજિન્દર કૌર બોપારન સાથે મળી ૧૯૯૩માં નાની બેન્ક લોન મારફત 2 Sisters Food Groupની સ્થાપના કરી હતી. વેસ્ટ બ્રોમવિચસ્થિત આ કંપનીની હોલ્ડિંગ કંપની બોપારા હોલ્ડિંગ્સ છે. તેમની અંગત સંપત્તિ અંદાજે ૧૯૦ મિલિયન પાઉન્ડ હોવાનું મનાય છે.

બોપારન તેમના વર્કફોર્સના વિકાસ અને તાલીમ આપવામાં માને છે. બોપારન દ્વારા ૧૯૯૩માં બર્મિંગહામમાં સ્થાપિત 2 Sisters Food Group ફૂડ મેન્યુફેક્ચરિંગ કંપની છે. ફ્રોઝન રિટેઈલ કટિંગ કામગીરીમાંથી વિવિધ કંપનીઓ હસ્તગત કરવા તેમજ વિસ્તરણ સાથે તેનો વિકાસ થયો છે. આ ગ્રૂપ યુકેમાં ૩૬, નેધરલેન્ડ્સમાં આઠ, આયર્લેન્ડમાં પાંચ અને પોલેન્ડમાં એક મેન્યુફેક્ચરિંગ સાઈટ્સ ધરાવે છે. આ ગ્રૂપ વાર્ષિક ૩.૧૨ બિલિયન પાઉન્ડના વેચાણો સાથે ૨૩,૦૦૦ કર્મચારી ધરાવે છે. ૨૦૧૬ સન્ડે ટાઈમ્સ ટોપ ટ્રેક ૧૦૦ની યાદીમાં સાતમો ક્રમ ધરાવતી આ કંપની ટર્નઓવરની દૃષ્ટિએ યુકેમાં સૌથી મોટી ફૂડ કંપની છે.

રણજિત સિંહ બોપારનને ફૂડ મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રી, વર્કફોર્સના શિક્ષણ અને તાલીમ તેમજ પરોપકારના કાર્યોમાં નોંધપાત્ર પ્રદાન આપવા બદલ જુલાઈ ૨૦૧૫માં નોટિંગહામ ટ્રેન્ટ યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટ પદવી એનાયત કરાઈ હતી. બોપારન જાહેરમાં દેખાવામાં કે મીડિયાને મુલાકાતો આપવામાં વધુ રસ દર્શાવતા નથી. જોકે, નવેમ્બર ૨૦૦૬માં તેમના ૧૯ વર્ષીય પુત્ર એન્ટોનિયોને એક ગંભીર કાર અકસ્માતના કેસમાં ખતરનાક ડ્રાઈવિંગ બદલ એપ્રિલ ૨૦૦૮માં ૨૧ મહિનાની જેલની સજા ફરમાવાઈ હતી. અકસ્માતમાં મગજને ગંભીર નુકસાન પામેલા એક વર્ષના બાળક સેરિસ એડવર્ડ્સના પરિવારને ફેબ્રુઆરી ૨૦૧૨માં પાંચ મિલિયન પાઉન્ડ વળતર અને તેની આજીવન સારસંભાળ માટે વાર્ષિક વાર્ષિક ૪૫૦,૦૦૦ પાઉન્ડની રકમ ચુકવવા આદેશ કરાયો હતો. ઓક્ટોબર ૨૦૧૫માં સેરિસનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter