લંડનઃ સ્ટાર્મર સરકારના લિટમસ ટેસ્ટ સમાન રનકોર્ન એન્ડ હેલ્સબી સંસદીય બેઠકની પેટાચૂંટણીમાં નાઇજલ ફરાજની રિફોર્મ યુકેના ઉમેદવાર સારા પોચિનનો ફક્ત 6 મતની સરસાઇથી વિજય થયો હતો. સારા પોચિનને 38.6 ટકા એટલે કે 12,645 મત પ્રાપ્ત થયાં હતાં. લેબર પાર્ટીના ઉમેદવાર કેરન શોરને 12,639 મત પ્રાપ્ત થયાં હતાં આમ યુકેના રાજકીય ઇતિહાસમાં સૌથી ઓછી સરસાઇ સાથે રિફોર્મ યુકેને આ વિજય પ્રાપ્ત થયો હતો. કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવારને માત્ર 7 ટકા મત પ્રાપ્ત થયાં હતાં. છેલ્લા 52 વર્ષમાં રનકોર્ન બેઠકનું પ્રતિનિધિત્વ પહેલીવાર નોન લેબર એમપીના હાથમાં આવ્યું છે.
મતગણતરી કેન્દ્ર ખાતે નાઇજલ ફરાજે જણાવ્યું હતું કે, પાર્ટી માટે આ એક મહાન ક્ષણ છે. પરિણામ સ્પષ્ટ બતાવે છે કે હવે અમે સંસદમાં મુખ્ય વિપક્ષ છીએ. વિજેતા જાહેર થયા બાદ પોચિને જણાવ્યું હતું કે, બસ હવે બહુ થયું. ટોરીઝની નિષ્ફળતા અને લેબરના જુઠ્ઠાણા હદ વટાવી ગયાં છે. હું મને મત આપનારા તમામ મતદારોની આભારી છું. આજના પરિણામ સત્ય અને બ્રિટિશ મૂલ્યો માટે અવાજ ઉઠાવવા બાકીના દેશને પણ પ્રેરણા આપશે.
રનકોર્ન એન્ડ હેલ્સબી પેટાચૂંટણી પરિણામ
પાર્ટી – મત
રિફોર્મ યુકે – 12,645
લેબર પાર્ટી – 12,639
કન્ઝર્વેટિવ – 2,341
ગ્રીન પાર્ટી – 2,314
લિબરલ ડેમોક્રેટ – 942