રમખાણો અને આગજનીના ઓથાર હેઠળ નોર્ધર્ન આયર્લેન્ડ

Wednesday 14th April 2021 06:11 EDT
 
 

બેલફાસ્ટ, લંડનઃ નોર્ધર્ન આયર્લેન્ડની રાજધાની બેલફાસ્ટમાં લોયલિસ્ટ્સ અને કેથેલિક્સ જૂથો વચ્ચે ‘પીસ વોલ’ મુદ્દે  એક સપ્તાહથી ભારે હિંસક રમખાણો થઈ રહ્યાં છે. બંને જૂથોએ હિંસક અથડામણોમાં એકબીજા તેમજ પોલીસ સામે પેટ્રોલ બોમ્બ્સ ઝીંક્યા હતા જેના પગલે આઠ પોલીસ ઓફિસર ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ભારે મુશ્કેલી પડી હતી. શુક્રવાર ૯ એપ્રિલે પોલીસ સામે પથ્થર, બોટલ્સ અને ફટાકડા ફેંકવામાં આવ્યા પછી પોલીસે રમખાણકારોને દૂર હઠાવવા છ વર્ષમાં પહેલી જ વખત વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો.

વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને ફર્સ્ટ મિનિસ્ટર આર્લેન ફોસ્ટરે આ હિંસક ઘટનાઓને વખોડી કાઢી હતી. વડા પ્રધાને મંત્રણાની હાકલ કરી હતી જ્યારે DUPના નેતાએ હિંસાને કોઈ રીતે વાજબી ઠેરાવી ન શકાય તેમ જણાવ્યું હતું. જ્હોન્સને જણાવ્યું હતું કે પ્રજા અને બિઝનેસીસનું રક્ષણ કરતી PSNI પર હુમલા અને હિંસાની ઘટનાઓથી તેઓ ચિંતિત છે. મતભેદોનો ઉકેલ હિંસા કે ગુનાખોરીથી નહિ પરંતુ, મંત્રણાઓથી લાવી શકાય છે. નોર્ધર્ન આયર્લેન્ડની કારોબારીએ ગુરુવારે સવારે રાજકારણીઓને સંપૂર્ણ માહિતી આપવા બેઠક બોલાવી હતી. સેક્રેટરી ઓફ સ્ટેટ બ્રાન્ડોન લૂઈ તત્કાળ નોર્ધર્ન આયર્લેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર આર્લેન ફોસ્ટર અને ડેપ્યુટી ફર્સ્ટ મિનિસ્ટર મિશેલ ઓ‘નીલ સાથે વાતચીત કરવા દોડી ગયા હતા.

નોર્ધર્ન આયર્લેન્ડની રાજધાની બેલફાસ્ટમાં પ્રોટેસ્ટન્ટ અને કેથોલિક જૂથો વચ્ચે એક સપ્તાહથી હિંસક અથડામણો ચાલી રહી છે. બુધવારે રાત્રે બુકાનીધારી રમખાણકારોએ શહેરની પશ્ચિમે પોલીસ સામે પેટ્રોલ બોમ્બ્સ ફેંક્યા હતા અને પ્રેસ ફોટોગ્રાફર પર હુમલો કર્યો હતો. યુવાનોએ કેથોલિક વિસ્તારોમાં કેટલીક શાંતિ આડશો મુદ્દે મોલોટોવ કોકટેઈલ્સ ફેંક્યા તેની સામે કેથોલિક્સ દ્વારા શેરીઓમાં આગ લગાવવા સાથે જવાબ વાળવામાં આવ્યો હતો. હજારો લોકોએ પોલીસની નિગરાની હેઠળ શહેર સરઘસો કાઢ્યા હતા. યુનિયનવાદીઓએ શાન્કિલ રોડ પર એક બસનું અપહરણ કરી તેને આગ લગાવી હતી. પોલીસ સર્વિસ ઓફ નોર્ધર્ન આયર્લેન્ડ (PSNI)એ જણાવ્યું હતું કે નોર્ધર્ન આયર્લેન્ડમાં એક સપ્તાહની હિંસક ઘટનાઓમાં કુલ ૫૫ ઓફિસરને ઈજા પહોંચી હતી.

કોરોના મહામારી દરમિયાન ગત ૩૦ જૂને બેલફાસ્ટના IRA ટેરરિસ્ટ બોબી સ્ટોરીના ફેફસાનાં નિષ્ફળ ઓપરેશન પછી મોત થવાથી વિશાળ રિપબ્લિકન ફ્યુનરલમાં હાજર રહેવા બદલ ડેપ્યુટી ફર્સ્ટ મિનિસ્ટર મિશેલ ઓ‘નીલ સહિત ૨૪ સિન ફિન રાજકારણીઓ વિરુદ્ધ કોઈ પગલાં નહિ લેવાની પ્રોસીક્યુટરોની જાહેરાત પછી ગત સપ્તાહમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. કોવિડ નિયમોના અમલ છતાં, ૧૫૦૦ જેટલા લોકોએ ફ્યુનરલમાં ભાગ લીધો હતો.

લોયલિસ્ટ જૂથ નોર્ધર્ન આયર્લેન્ડ અને બાકીના યુકે વચ્ચે આર્થિક અવરોધો સર્જનારી બ્રેક્ઝિટ પછીની વ્યવસ્થા સામે પણ રોષે ભરાયેલા છે. તેઓ નોર્ધર્ન આયર્લેન્ડ પ્રોટોકલથી યુનિયનમાં તેમના સ્થાનની અવગણના કરાતી હોવાનું માને છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter