લંડનઃ ઈસ્લામિક શરીઆ કાઉન્સિલની વિદ્વાન ખોલા હાસને દરખાસ્ત કરી છે કે શાળાના કિશોર વિદ્યાર્થીઓને રમઝાન મહિનામાં મોડી રાતના ૨.૪૦ના પ્રથમ ઉજાસ (ફજર)ના બદલે સૂર્યોદયથી થોડા સમય પહેલા જ ઉપવાસની પરવાનગી અપાય તો છઠ્ઠી જૂનથી શરૂ થતી GCSE અને એ-લેવલ પરીક્ષાના સમયપત્રક બદલવાની જરૂર રહે નહિ.
યુકેમાં ફજર પહેલા ઉપવાસ કરાય તો સૂર્યાસ્ત (રાતના ૯.૨૫) સુધી ૧૯ કલાક પાણી કે ખોરાક વિનાના ઉપવાસ કરવાના રહે છે, જે સમયગાળો સાઉદી અરેબિયા જેવા દેશોમાં ૧૪થી ૧૬ કલાકનો થાય છે. નવી દરખાસ્ત અનુસાર મુસ્લિમ વિદ્યાર્થી સૂર્યોદય અગાઉ ભોજન લઈ શકે તો વાંધો આવે નહિ. ઈસ્લામમાં પણ અતિશય લાંબા ઉપવાસ મુદ્દે ઉદાર વલણ દાખવી શકાય તેમ ખોલા હાસને જણાવ્યું હતું. જોકે, આ વિચાર સાથે બધા વિદ્વાનો સહમત થતા નથી.
જોઈન્ટ કાઉન્સિલ ફોર ક્વોલિફિકેશન્સ દ્વારા પરીક્ષાનો સમય અથવા તારીખો બદલવા વિચાર વહેતો મૂકાયો હતો, જેને ચીફ ઈન્સ્પેક્ટર ઓફ સ્કૂલ્સ સર માઈકલ વિલ્શોએ ફગાવી દીધો છે.


