લંડનઃ 2024ના અંત સુધીમાં યુકેમાં 1,15,000 કરતાં વધુ રાજ્યાશ્રય વાંચ્છુઓનું ભાવિ કાયમી અદ્ધરતાલ સ્થિતિમાં ધકેલાઇ જશે. જેના કારણે દેશની તિજોરી પર 17 મિલિયન પાઉન્ડનો બોજો પડી શકે છે. હોમ ઓફિસના સત્તાવાર આંકડાની રેફ્યુજી કાઉન્સિલ દ્વારા કરાયેલી સમીક્ષામાં છેલ્લા બે વર્ષમાં સરકાર દ્વારા ઘડાયેલા 3 ઇમિગ્રેશન કાયદાની અસરો વર્ણવવામાં આવી છે. ચેરિટીએ ચેતવણી આપી છે કે આ ત્રણે કાયદાના કારણે સિસ્ટમ પડી ભાંગશે અને તેનો બોજો કરદાતાઓ પર પડશે.
ચેરિટીએ જણાવ્યું હતું કે, યુકેમાં ગેરકાયદેસર આવી રહેલા માઇગ્રન્ટની સંખ્યા છેલ્લા બે વર્ષની સપાટી પર રહેશે તો ફક્ત 10,000ને જ તેમના વતનના દેશમાં પાછા મોકલી શકાશે. વર્ષના અંત સુધીમાં ફક્ત 2000 માઇગ્રન્ટને રવાન્ડામાં દેશનિકાલ કરી શકાશે. આમ હોમ ઓફિસ ફક્ત 12000 માઇગ્રન્ટને દેશનિકાલ કરી શકશે.
જો હોમ ઓફિસ દ્વારા 12,000 માઇગ્રન્ટને દેશનિકાલ કરવામાં આવે તો પણ 1,15,575 માઇગ્રન્ટ યુકેમાં જ અટવાઇ જશે. એકતરફ હોમ ઓફિસ તેમને દેશનિકાલ કરવાની સ્થિતિમાં નહીં હોય અને બીજીતરફ રાજ્યાશ્રયની આશા તેમના માટે સ્થગિત થઇ જતાં તેઓ યુકેમાં ગેરકાયદેસર બની જશે.


