રવાન્ડા ફ્લાઇટ્સને સંસદનું ગ્રીન સિગ્નલ

રવાન્ડા ફ્લાઇટ શરૂ કરવા અમારા માર્ગમાં કોઇ અવરોધ બની શકશે નહીં, માઇગ્રેશન પર વૈશ્વિક સમીકરણોમાં મૂળભૂત બદલાવ આવશેઃ વડાપ્રધાન સુનાક

Tuesday 23rd April 2024 12:09 EDT
 
 

લંડનઃ દેશમાં ગેરકાયદેસર માઇગ્રન્ટ્સની સંખ્યા ઘટાડવા માટેના રિશી સુનાક સરકારના મહત્વાકાંક્ષી રવાન્ડા ખરડા પર સંસદે મહોર મારી દીધી છે. સોમવારે રવાન્ડા ખરડા પર આઠ કલાકની મેરેથોન ચર્ચા બાદ આખરે હાઉસ ઓફ લોર્ડ્સે નમતું જોખતાં ખરડો પસાર કરી દેવાયો હતો. આ સપ્તાહમાં જ કિંગ ચાર્લ્સ તૃતીય દ્વારા આ ખરડા પર હસ્તાક્ષર થતાં તે કાયદાનું સ્વરૂપ ધારણ કરી લેશે.

જરૂર પડે તો આખી રાત આ ખરડા પર ચર્ચા કરવાના વડાપ્રધાનના સાંસદો અને લોર્ડ્સને આદેશ બાદ સરકારની ઇચ્છા સામે લોર્ડ્સે નમતું જોખ્યું હતું અને મંગળવારે વહેલી પરોઢે આ ખરડાને પસાર કરાયો હતો. હાઉસ ઓફ કોમન્સના સાંસદોએ લોર્ડ્સ દ્વારા ખરડામાં સૂચવાયેલા તમામ સુધારાને નકારી કઢાયા હતા. સોમવારે મધરાતે લોર્ડ્સે પોતાની હાર સ્વીકારી લીધી હતી અને ખરડાને સમર્થન જાહેર કર્યું હતું. આ સાથે જ યુકેમાં રાજ્યાશ્રય માગનારાઓને ઇસ્ટ આફ્રિકાના દેશ રવાન્ડા મોકલી આપવાના દ્વાર ખુલી ગયાં છે. ખરડો પસાર થાય તે પહેલાં વડાપ્રધાન સુનાકે જણાવ્યું હતું કે, રવાન્ડા માટેની ફ્લાઇટો શરૂ કરવાના અમારા માર્ગમાં કોઇ અવરોધ બની શકશે નહીં.

ખરડો પસાર થયા બાદ સુનાકે મંગળવારે જણાવ્યું હતું કે, રવાન્ડા બિલ પસાર થવો એ ન કેવળ ભવિષ્યની દિશામાં એક પગલું છે પરંતુ માઇગ્રેશન પર વૈશ્વિક સમીકરણોમાં મૂળભૂત બદલાવ લાવશે. અમે માઇગ્રન્ટ્સને ભયજનક રીતે યુકેમાં આવતા અટકાવવા અને તેમના માટે કામ કરતી ક્રિમિનલ ગેંગોના બિઝનેસ મોડેલનો નાશ કરવા માટે આ કાયદો બનાવ્યો છે. આ કાયદો હવે અમને ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને રવાન્ડા મોકલી આપવાની પરવાનગી આપશે અને સ્પષ્ટ છે કે જો તમે ગેરકાયદેસર રીતે બ્રિટનમાં આવશો તો તમે અહીં રહી શક્શો નહીં. હવે અમે રવાન્ડા ફ્લાઇટ શરૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ. અમારા માર્ગમાં કોઇ અવરોધ બની શકશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter