લંડનઃ યુકેમાં આવતા અને રાજ્યાશ્રય ઇચ્છતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને આફ્રિકન દેશ રવાન્ડા મોકલી આપવા માટે તૈયાર કરાયેલા નવા કાયદાઓ મુદ્દે મંગળવારે હાઉસ ઓફ કોમન્સમાં હાથ ધરાયેલા મતદાનમાં વડાપ્રધાન રિશી સુનાકને પોતાની જ પાર્ટીના જમણેરી સાંસદો દ્વારા બળવાનો સામનો કરવો પડ્યો અને મોટી સંખ્યામાં ટોરી સાંસદો ગેરહાજર રહ્યાં હોવા છતાં રવાન્ડા બિલના સેકન્ડ રિડિંગમાં સુનાક સરકારનો વિજય થયો હતો. બિલ પરના મતદાનમાં 313 સાંસદોએ તરફેણમાં જ્યારે 269 સાંસદોએ વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. તેનો અર્થ એ થયો કે સુનાક સરકારના રવાન્ડા બિલનું સેકન્ડ રિડિંગ 44 મતની સરસાઇ સાથે પસાર થઇ ગયું હતું. આ સાથે વડાપ્રધાન રિશી સુનાક રવાન્ડા બિલના મામલે પાર્ટીમાં બળવો અટકાવવામાં મહદ્દ અંશે સફળતા મેળવી હતી. મતદાન કરનારા કોઇ ટોરી સાંસદે બિલની વિરુદ્ધમાં મતદાન કર્યું નહોતું. લગભગ 34 સાંસદ મતદાનમાં ગેરહાજર રહ્યાં હોવાની સંભાવના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નવેમ્બર માસમાં યુકેની સુપ્રીમ કોર્ટે રવાન્ડા યોજનાને ગેરકાયદેસર ઠેરવ્યા બાદ સુનાક સરકારે ગયા સપ્તાહમાં રવાન્ડા(અસાયલમ એન્ડ ઇમિગ્રેશન) બિલ હાઉસ ઓફ કોમન્સમાં રજૂ કર્યું હતું. આ મતદાન સાથે સુનાક સરકાર 1986માં સેકન્ડ રિડિંગમાં બિલ પરાજિત થવાનું પુનરાવર્તન અટકાવી શકી હતી. મતદાનમાં સફળતા મળતાં જ વડાપ્રધાન સુનાકે તેમની પાર્ટીના ચીફ વ્હિપની કામગીરીને બિરદાવી હતી. હવે આ બિલને વધુ ચકાસણી માટે હાઉસ ઓફ કોમન્સની કમિટી સમક્ષ મોકલી અપાશે અને કમિટીની લીલી ઝંડી બાદ 2024માં બિલના થર્ડ રિડિંગ પર મતદાન યોજાશે.
લેબર પાર્ટીના સુધારાને 269 વિરુદ્ધ 337 મતથી નકારાયો
સુનાક સરકારના રવાન્ડા બિલમાં સુધારો રજૂ કરતાં લેબર પાર્ટીએ જણાવ્યું હતું કે, આ બિલ ગેરકાયદેસર માઇગ્રેશન અટકાવવામાં સફળ થશે નહીં પરંતુ તેના કારણે યુકેના કરદાતાઓના નાણાનો વેડફાટ થશે. લેબર પાર્ટીએ બિલના સેકન્ડ રિડીંગનો વિરોધ કર્યો હતો. લેબર પાર્ટીના સુધારાને 269 વિરુદ્ધ 337 મતથી નકારી કાઢવામાં આવ્યો હતો.લેબર પાર્ટીના નેતા સ્ટાર્મરે જણાવ્યું હતું કે, જો તેમની સરકાર સત્તામાં આવશે તો નાની હોડીઓ દ્વારા આવતા માઇગ્રન્ટ્સને વિદેશમાં જ મોકલી અપાશે અને તેમની રાજ્યાશ્રયની અરજીઓ પર વિચારણા સરકાર દ્વારા કરાશે. સ્ટાર્મરે જણાવ્યું હતું કે, અમે ઓફશોર પ્રોસેસિંગની વિચારણા કરીશું. આ પ્રકારની પ્રોસેસ ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ અપનાવી છે.તેમણે જણાવ્યું હતું કે, રવાન્ડા પોલિસી સફળ થશે નહીં.
માઇગ્રન્ટ્સ મામલે રવાન્ડા સાથે સુનાક સરકારના નવા કરાર
આ પહેલાં ગયા સપ્તાહમાં રવાન્ડાની મુલાકાતે ગયેલા યુકેના હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલીએ રવાન્ડા સાથે નવા કરાર પર હસ્તાક્ષર કર્યાં હતાં. તેમનું માનવું છે કે આ નવા કરારના પગલે બંને દેશ વચ્ચેના સંબંધ વધુ મજબૂત બનશે. સુનાક સરકારના રાજ્યાશ્રય પ્લાનને વધુ મજબૂત બનાવવા માટે ક્લેવરલી રવાન્ડાની મુલાકાતે પહોંચ્યા હતા. આ નવા કરાર અંતર્ગત રવાન્ડા યુકેથી મોકલાનારા રાજ્યાશ્રય વાંચ્છુઓ પ્રત્યે પ્રતિબદ્ધ રહેશે અને આ યોજના સાથે સંકળાયેલ કાયદાકીય ચિંતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. રવાન્ડામાં પત્રકારોને સંબોધન કરતાં ક્લેવરલીએ જણાવ્યું હતું કે, રવાન્ડાએ માનવ અધિકાર અને નિરાશ્રીતો તથા માઇગ્રન્ટ્સના વહીવટી મામલામાં તેની પ્રતિષ્ઠા મજબૂત બનાવી છે. રવાન્ડાએ પૂરવાર કર્યું છે કે તે યુકેનો મજબૂત અને મહત્વનો ભાગીદાર દેશ બની શકે છે. આજનો આ નવો કરાર બંને દેશ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. આ નવા કરાર માટે રવાન્ડાને નવું કોઇ ભંડોળ આપવામાં આવ્યું નથી.


