લંડનઃ રાજ્યાશ્રયવાંચ્છુ માઇગ્રન્ટ્સને રવાન્ડામાં દેશનિકાલ કરવા માટેના અભિયાન અંતર્ગત હોમ ઓફિસે ગયા સપ્તાહથી કામગીરી શરૂ કરી દીધી હતી અને દેશવ્યાપી કાર્યવાહીમાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં માઇગ્રન્ટ્સને ડિટેઇન કરાયાં હતાં. જોકે અધિકારીઓએ કેટલા માઇગ્રન્ટ્સને અટકાયતમાં લેવાયાં તે અંગેનો આંકડો આપવાનો ઇનકાર કરી દીધો હતો. તેમના મતે આંકડો જાહેર કરવાથી તેમના ઓપરેશન પર અસર પડી શકે છે.
ઓપરેશન ચલાવી રહેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે સોમવારથી શરૂ કરાયેલા ઓપરેશનમાં અમારે બહુ ઓછા વિરોધનો સામનો કરવો પડ્યો છે. અમે રવાન્ડા મોકલી શકાય તેવા 5700 માઇગ્રન્ટસની શોધ ચલાવી રહ્યાં છીએ. જોકે ઓપરેશન આગળ વધશે તેની સાથે અમારે વધારે વિરોધનો સામનો કરવો પડે તેવી સંભાવના છે. સ્વાનસી, સાલફોર્ડ અને ક્રોયડનમાં અટકાયત દરમિયાન કેટલાક માઇગ્રન્ટ્સે વાહનો આગળ સૂઇ જઇને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જસ્ટ સ્ટોપ ઓઇલના આંદોલનકારીઓએ સોલિહલ ખાતે કાર્યવાહીમાં ખલેલ પહોંચાડી હતી જેના પગલે પોલીસે 10 લોકોની ધરપકડ કરી હતી.
ગયા સપ્તાહમાં ગુરુવારે સાઉથ ઇસ્ટ લંડનમાં પેકહામ સ્થિત બેસ્ટ વેસ્ટર્ન હોટલમાં રખાયેલા રાજ્યાશ્રય વાંચ્છુઓને અટકાયતમાં લેવાની કાર્યવાહીનો બ્લેક લાઇવ્ઝ મેટર યુકે સહિતના સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો.
હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલીએ જણાવ્યું હતું કે, રવાન્ડા યોજના અંતર્ગત જેમને યુકેમાં રહેવાનો અધિકાર નથી તેવા માઇગ્રન્ટ્સને અટકાયતમાં લેવા એન્ફોર્સમેન્ટ ટીમો કામ કરી રહી છે. ઓપરેશન વેક્ટર અંતર્ગત 800 અધિકારીઓને કામે લગાડવામાં આવ્યાં છે.
ગયા સોમવારથી શરૂ કરાયેલી કાર્યવાહી અંતર્ગત અધિકારીઓએ ઇમિગ્રેશન સેન્ટરો, રહેઠાણો પર ત્રાટકીને માઇગ્રન્ટ્સની અટકાયત કરી હતી. નક્કી કરાયેલા ઇમિગ્રેશન ડિટેન્શન સ્થળોની સંખ્યા પુરી ન થાય ત્યાં સુધી આ કાર્યવાહી જારી રહેશે. અટકાયતમાં લેવાયેલા તમામને રવાન્ડા મોકલી દેવામાં આવશે.
ક્લેવરલીએ જણાવ્યું હતું કે, આ એક જટિલ કાર્ય છે પરંતુ અમે અમારી નીતિના અમલીકરણ માટે પ્રતિબદ્ધ છીએ. અમે ઇંગ્લિશ ચેનલમાં હોડીઓ દ્વારા આવતા માઇગ્રન્ટ્સને અટકાવી સ્મગલર ગેંગના બિઝનેસ મોડેલને તોડી પાડવા માગીએ છીએ.
આ મામલા પર 10 ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે, અટકાયતો રવાન્ડા યોજનાનો મહત્વનો હિસ્સો છે. આ કાર્યવાહીનો નિર્ણય હોમ ઓફિસ દ્વારા લેવાયો હતો.


